800થી વધુ હસ્તચિહ્નોથી ચાર વર્ષની હરિશ્રીએ બનાવ્યો 68 ચોરસ ફૂટનો તિરંગો, વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં નોંધાયું નામ
અમદાવાદ: દેશભક્તિ વ્યક્ત કરવા માટે ઉંમર ન

અમદાવાદ: દેશભક્તિ વ્યક્ત કરવા માટે ઉંમર નહીં પરંતુ ભાવના મહત્વની હોય છે, તે વાત અમદાવાદની માત્ર ચાર વર્ષની હરિશ્રી બારોટે સાબિત કરી બતાવી છે. હરિશ્રીએ પોતાના માર્ગદર્શક શીતલબહેન બારોટના માર્ગદર્શન હેઠળ માત્ર બે દિવસમાં 800થી વધુ હસ્તચિહ્નો (હેન્ડ પ્રિન્ટ)નો ઉપયોગ કરીને વિશાળ તિરંગો તૈયાર કર્યો છે.
હરિશ્રીએ સફેદ કપડાં પર કેસરી, સફેદ અને લીલા રંગની છાપ પાડી કુલ 68 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતો તિરંગો તૈયાર કર્યો હતો. આ તિરંગાની લંબાઈ અંદાજે 6.8 ફૂટ અને પહોળાઈ 10 ફૂટ હોવાનું જણાવવામાં આવ્યું છે. સમગ્ર તિરંગો તૈયાર કરવામાં હરિશ્રીના 800થી વધુ હસ્તચિહ્નોનો સર્જનાત્મક ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હરિશ્રીના આ અનોખા પ્રયાસને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા માન્યતા આપવામાં આવી છે. નાની ઉંમરે દેશપ્રેમ અને સર્જનાત્મકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડનાર હરિશ્રીની આ સિદ્ધિ અનેક બાળકો માટે પ્રેરણારૂપ બની છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, હરિશ્રીને બાળપણથી જ ચિત્રકામ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં રસ છે. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનોખી રીતે વ્યક્ત કરવા માટે તેણે આ વિશાળ તિરંગો તૈયાર કરવાનો સંકલ્પ કર્યો હતો.
દેશભક્તિ, કલા અને મહેનતનું સુંદર સંયોજન બનેલી હરિશ્રીની આ સિદ્ધિ આજે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત બની છે. નાની ઉંમરે કરેલા આ પ્રયાસમાં રાષ્ટ્રપ્રેમની ઝલક સ્પષ્ટપણે જોવા મળે છે, જે સૌને પ્રેરણા આપે છે.








