કઠલાલ: પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારના સભ્યોએ અપહરણ કર્યું, શખ્સોએ યુવાનને માર્યો ઢોર માર
કઠલાલમાં પ્રેમ લગ્ન કરેલું દંપતી ખરીદી કરતું હતું. ત્યારે યુવકને લાફા મારી તેની પત્નીની મરજી વિ

કઠલાલમાં પ્રેમ લગ્ન કરેલું દંપતી ખરીદી કરતું હતું. ત્યારે યુવકને લાફા મારી તેની પત્નીની મરજી વિરૂદ્ધ પરિવારના સભ્યો અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પતિએ પત્નીના અપહરણ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવાનને ઢોર માર મારીને શખ્સો ધમકી આપી કે અમારા ફળિયાનો થઈને અમાપા સગાની યુવતીને કેમ ભગાડી ગયો.
જુલાઈમાં પ્રેમ લગ્ન કર્યા
મહુધા તાલુકાના પોરડા ગામના ઈન્દ્રજીતસિંહ વજેસિંહ સોઢાએ ફળિયામાં રહેતા રાકેશભાઈ બાબુભાઈ પટેલની ભાણી સાથે જુલાઈમાં પ્રેમ લગ્ન કર્યા હતા. દંપતીએ હલદરવાસ ગ્રામ પંચાયત ખાતે નોંધણી પણ કરાવી હતી. ત્યાર બાદ બંને પતિ-પત્ની મહુધા તાલુકાના ખાડીવાવમાં સગાને ત્યાં શરૂઆતમાં રહેવાનું શરૂ કરીને સંસાર શરૂ કર્યો હતો.
સ્ટોરમાં ખરીદી કરવા ગયા અને યુવતીના કૌટુંબિક શખ્સો આવ્યા
એક અઠવાડિયાથી યુવા દંપતી પેટલાદ તાલુકાના ભવાનીપુરા ખાતે એક રૂમ રાખીને રહેતા હતા. કઠલાલ-મહુધા રોડ પર આવેલા એક સ્ટોરમાં બન્ને ખરીદી કરવા માટે ગયા હતા, ખરીદી કરી રહ્યા હતા ત્યારે ત્યાં પોરડા ગામના રાકેશભાઈ બાબુભાઈ પટેલ તથા આર્યન રાકેશભાઇ પટેલે અચાનક આવી ગયા હતા. બન્ને શખ્સોએ દંપતી સાથે પહેલા માથાકૂટ કરી ત્યાર બાદ યુવતીને પકડીને પોતાની સાથે લઇ જવા માટે બળજબરી કરી હતી. ત્યારે ઈન્દ્રજીતસિંહે પ્રતિકાર કરતાં રાકેશ પટેલે ઉશ્કેરાઈને લાફા ચોડી દીધા હતા, અન્ય બે શખ્સોએ પણ ઢોર માર માર્યો હતો. ત્યાંથી ભાગે નહી તેથી પકડી પણ રાખ્યો હતો.
યુવાનને માર માર્યો અને યુવતીનું અપહરણ કરી ફરાર
યુવતીએ જવાની ના પાડી છતાં આર્યને પણ જબરજસ્તી કરીને લાફા ચોડી દીધા હતા. ત્યાર બાદ બન્નેએ યુવતીને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી. બન્નેએ તેની મરજી વિરૂધ્ધ બળજબરી પુર્વક પોતાની સાથે કારમાં બેસાડી અપહરણ કરીને લઈ ગયા હતા. તો બીજી તરફ ઈન્દ્રજીતસિંહેને પકડી રાખનારા શખ્સો પાર્થભાઈ મહેશ પટેલ અને દર્શન કિરીટ પટેલ પણ બાદમાં ધક્કો મારી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ઈન્દ્રજીતસિહ વજેસિંહ સોઢાએ પત્નીના અપહરણ મામલે ઉપરોક્ત ચાર શખ્સો વિરૂદ્ધ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.






