સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યો રાત્રે સૂતા બાદ જાગ્યા જ નહીં, ગૂંગળામણ સહિત સામૂહિક આપઘાતની આશંકા
સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જ્હાંગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના 4 લોકો

સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જ્હાંગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના 4 લોકો રાત્રે સૂતા બાદ સવારે જાગ્યા જ નહીં. મૃતકોમાં 3 મહિલા અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે. ચારેય લોકોએ સામૂહિક આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, તપાસ ચાલુ છે.
ગૂંગળામણથી મોતની આશંકા
ડીસીપી રાકેશ બારોટે કહ્યું કે, 504 નંબરના ફલેટમાંથી ચાર મૃતદેહ મળ્યાં છે. મૃતક જસુબેનના દીકરાની ખબર અંતર પૂછવા તેમના માસીઓ અને માસા આવ્યા હતાં. માસી અને માસા ભાવનગરથી આવ્યાં હતાં. 10 લોકો સાથે જમ્યા હતાં. દીકરાની માતા બેંકમાં પટાવાળાની નોકરી કરે છે. હાલ એફએસએલની તપાસ ચાલે છે. જો કે, પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે કે, ગેસ ગીઝર શરૂ હતું. જેથી ગૂંગળામણથી પણ મોત થયું હોય તેવી શક્યતા અને ફૂડ પોઈઝનિંગની પણ શક્યતા સેવવામાં આવી રહી છે.
મૃતકોના નામ
- જશુબેન કેશવભાઈ વાઢેર (ઉં.વ.આ.58)
- શાંતુબેન વાઢેર (ઉં.વ.આ.55)
- ગૌબેન હીરાભાઈ વાઢેર (ઉં.વ.આ. 55)
- હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉં.વ. આ.60)
રાત્રે જમીને સૂતા હતા
જહાગીરપુરામાં આવેલી રાજન રેસિડેન્સીમાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે. જેમાં જાણવા મળ્યું કે, રાત્રે જમ્યા બાદ તમામ સૂઈ ગયા હતાં. જો કે સવારે ન જાગતાં શંકાના આધારે જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.રસ સહિતની વસ્તુઓ મહેમાન હોવાથી જમ્યા હતાં. ત્યારે ફૂડ પોઈઝનિંગ થયું કે કેમ તેની પણ તપાસ હાથ ધરાઈ છે.
પોલીસે તપાસ આદરી
પોલીસે કહ્યું કે, પ્રાથમિક તબક્કે આપઘાતનો બનાવ લાગી રહ્યો છે. કારણ જાણવા આસપાસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યાં છે. પીએમ રિપોર્ટ બાદ જ આપઘાત કે ફૂડ પોઈઝનિંગ તે અંગેની વધુ વિગતો સામે આવી શકે તેમ છે. હાલ તપાસ ચાલી રહી છે.
કંઈ સમજાતું નથી-સંબંધી
હંસાબેને કહ્યું કે, આ મારા વેવાણ થાય. મેં દીકરી આપી હતી. અમને ફોન આવ્યો એટલે દોડા દોડ આવ્યાં હતાં. અમારા છોકરા અને વહુ આવ્યાં હતાં. પરિવારમાં દીકરી જમાઈ અને વેવાણ પણ છે. ભત્રિજીએ કહ્યું કે, રાત્રે મેમાન આવ્યા હોવાથી જમીને સૂતા હતાં. મેમાન જુદા પડ્યાં. વહુને છોકરો નીચે ગયા હતાં. સવારે નાસ્તો આપવા વહુ ઉપર ગઈ હતી. પરંતુ દરવાજો ખોલતા નહોતા. શું થયું તે કોઈને અંદાજ આવતો નથી. સવારે તેમના દીકરાએ મને જાણ કરી હતી. મારા કાકી બેંકમાં કામ કરતાં હતાં.
3 મહિલા એક પુરૂષનું મોત
પોલીસે કહ્યું કે, પરિવારના પુત્રની બે માસી અને માસા તથા માતાનું મોત થયું છે. સવારે નાસતો આપવા જતાં દરવાજો ન ખોલતાં 108 સહિતની ટીમને જાણ કરવામાં આવી હતી. પોલીસ હાલ તપાસ કરી રહી છે. એફએસએલની ટીમ પણ આ તપાસમાં જોડાશે. 3 મહિલા અને એક પુરૂષના મોત થયાં છે.








