Ahmedabad news: ફુટબોલ ગ્રાઉન્ડમાં યુવકની હત્યા કરનાર ચાર આરોપીની ધરપકડ, સંબંધ ન રાખવા મામલે ખેલાયો ખૂની ખેલ
અમદાવાદમાં મણીનગરના ફુટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર ચાર આરોપીની ધરપકડ કર

અમદાવાદમાં મણીનગરના ફુટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર ચાર આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક તેની માનીતી બહેનને મુખ્ય આરોપી સાથે સંબંધ ના રાખવા માટે અવાર નવાર ટકોર કરતો હતો. જેને લઇને અગાઉ પણ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઇ હતી. સમાધાન માટે બોલાવી પૂર્વઆયોજિત કાવતરૂ રચીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર બનાવમાં અન્ય કોઇ સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
સમાધાન માટે બોલાવીને હત્યા કરી દીધી
અમરાઇવાડી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય ચિરાગ રાઠોડ નામના યુવકને સમાધાન માટે બોલાવીને મંથન ઉર્ફે ઋત્વીક પરમાર નામના યુવકએ તેના અન્ય ત્રણ મિત્રો સાથે મળીને હત્યા કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ મણીનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. અને હત્યાનો ગુનો દાખલ આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસએ મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વીક પરમાર, જયદિપ ઉર્ફે જય શાહ, હર્ષીલ શાહ અને વિજય પરમાર નામના ચાર આરોપીઓને ઝડપી લીધા છે.
સંબંધ રાખવા ના પાડતાં ખેલાયો ખૂની ખેલ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચિરાગ તેના મિત્રની બહેનને પોતાની બહેન માનતો હતો. જેને તેની સાથે નોકરી કરતા એટલે કે આ ગુનાના મુખ્ય આરોપી મંથન સાથે મિત્રતા હતી. જો કે ચિરાગએ તેની માનીતી બહેનને મંથન સાથે સંબંધ ના રાખવા માટેની જાણ કરી હતી. જેને લઇને ચિરાગ અને મંથન વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો. અને તેની જ અદાવતમાં મંથનએ નયન તેમજ ચિરાગને સમાધાન માટે બોલાવ્યા હતાં. અને પહેલા ચિરાગ સાથે મારા મારી કર્યા બાદ તેને મંથનએ પાંસળીના ભાગે છરીનો ઘા મારી દીધો હતો.






