નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકાર, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, ઘરોમાં ઘૂસ્યાં પાણી
ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા ઘણાં દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યા

ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા ઘણાં દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે નવસારીમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરાયો છે.
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી
નવસારીમાં ભારે વરસાદને લીધે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. આ ઉપરાંત અડદા ગામમાં પાંચ લોકો ફસાઈ જતાં ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. નદીઓની જળ સપાટીમાં વધારો થતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
સોસાયટીમાં પાણી ભરાયા
પૂર્ણા નદીની જળસપાટી ભયજનક સપાટી કરતાં ઉપર જતાં પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા હતા. ઘરો તથા અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. જ્યારે નવસારીના ભેંસદ ખાડા વિસ્તારના ઘરોમાં પાણી ભરાતાં 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર બંધ
ભારે વરસાદના કારણે પૂર્ણા નદીનું જળસ્તર વધતાં નવસારી ગ્રામ્યમાંથી પસાર થતાં સુપા તરફના પુલને બંધ કરાતાં બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારી જિલ્લામાં કુલ 74 રસ્તા પાણીમાં ગરક થઈ જતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. 4 સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહાર બંધ છે.








