મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં પોલીસના પગાર કરતા દંડની આવક વધુ, ટ્રાફિક ભંગ બદલ ₹413 કરોડની ઉઘરાણી

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ નાગરિકો પાસેથી બે વર્ષમાં કુલ 413 કરોડ રૂપિયા દંડપેટે વસુલવામાં આવ્યાં છે. આ

Ahmedabadમાં પોલીસના પગાર કરતા દંડની આવક વધુ, ટ્રાફિક ભંગ બદલ ₹413 કરોડની ઉઘરાણી

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ નાગરિકો પાસેથી બે વર્ષમાં કુલ 413 કરોડ રૂપિયા દંડપેટે વસુલવામાં આવ્યાં છે. આટલો અધધધ દંડ વસુલનાર પોલીસ કર્મચારીઓને ચૂકવાતાં પગાર કરતાં વધુ એટલે કે 413 કરોડની આવક સરકારી તિજોરીમાં થઈ છે. ટ્રાફિક પોલીસ દ્વારા વસુલવામાં આવતી દંડની આ રકમ સરકારમાં જમા થાય છે અને ટ્રાફિક સંદર્ભે સુવિધા, જનજાગૃતિ અને અકસ્માતો ઘટાડવા કાર્યવાહી કરવા માટે ગ્રાન્ટ સ્વરૂપે પરત આપવામાં આવતાં હોય છે. પણ, કમનસીબી એ છે કે, અમદાવાદમાં ટ્રાફિક દંડપેટે વસુલાયેલા અબજો રૂપિયા પડી રહ્યાં છે પણ સરકારમાંથી પરત આવવામાં વર્ષો વિતી જાય છે. 

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની સંખ્યા મંજુર મહેકમ કરતાં ઓછી છે છતાં વર્ષ 2024ની સરખામણીએ દંડ વસુલાતમાં ધરખમ વધારો થયો છે. વર્ષ 2024માં અમદાવાદ ટ્રાફિક પોલીસે 21.15 લાખ વાહનચાલકો પાસેથી 151 કરોડ દંડ વસુલ્યો હતો. તો, વર્ષ 2025માં 40 લાખ વાહનચાલકો પાસેથી 262 કરોડની તોસ્તાન દંડ વસુલાત કરવામાં આવી છે. બે વર્ષમાં કુલ 413 કરોડની દંડ વસુલાત કરાઈ છે ત્યારે લોકોમાં એવી ચર્ચા છે કે, પોલીસને ચૂકવાતાં પગાર કરતાં સરકારને દંડની આવક વધુ છે.  

રસ્તા ઉપર પોલીસ કર્મચારીઓને ઉભા રાખીને સામાન્ય લોકો પાસે આડેધડ દંડની વસુલાત કરવામાં આવે છે. પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય તે રીતે આકરી દંડ વસુલાતના આદેશ કરવામાં આવે છે. બે વર્ષમાં 413 કરોડની દંડની આવક થઈ છે તે આ કામગીરી કરતાં પોલીસ કર્મચારીઓના પગાર કરતાં અચૂકપણે અનેકગણી વધારે હશે.  એકંદર, રસ્તા ઉપર ઓછી પોલીસ દેખાતી હોવા છતાં ટ્રાફિક પોલીસે ગત વર્ષ કરતાં દંડપેટે 111 કરોડ વધુની કમાણી સરકારને કરી આપી છે.રસ્તાઓ ઉપર વાહન ચલાવવામાં નિયમોના ભંગ બદલ પ્રતિવર્ષ અબજો રૂપિયા વસુલવામાં આવે છે તે રકમ સીધી જ ગુજરાત સરકારમાં જમા થઈ જાય છે. 

ગુનો 2024: કુલ કેસ 2024: રકમ  2025: કુલ કેસ 2025: રકમ
સિગ્નલ ભંગ   2.92 લાખ 18.92 કરોડ 63,425 3.67 કરોડ
પાર્કિંગ   2.52 લાખ 13.72 કરોડ    5.36 લાખ 34.68 કરોડ
રોંગ સાઈડ   45,446 8.55  કરોડ 1.77 લાખ 36.31 કરોડ
હેલમેટ   10.10 લાખ 50.54 કરોડ 26.88 લાખ 1.34 કરોડ
વધુ મુસાફર      5219 29.34 કરોડ 21331  1.28 કરોડ
સીટબેલ્ટ વગર      77926 3.89 કરોડ 80861 4.04 કરોડ
મોબાઈલ ફોન     15243 76.89 કરોડ 21156 1.07 કરોડ
ઓવરસ્પીડ      22904 4.88 કરોડ 78,102 18.28 કરોડ
ડાર્ક ફિલ્મ     16413 88 લાખ 28696  1.73 કરોડ
ત્રણ સવારી      29398 29 લાખ  30,675  30 લાખ
લાયસન્સ વગર      32209 7.05 કરોડ 27576 6.02 કરોડ
વીમા-પરમિટ   1.08લાખ 9.09 કરોડ 95646  5.59 કરોડ
નાની વય        11  33,000 5835  21.11 લાખ
ફેન્સી પ્લેટ     21907 79 લાખ 56273 3.38 કરોડ
અન્ય ગુના     1.85 લાખ 31.27 કરોડ 1.06 લાખ 11.58 કરોડ
કુલ 21.15 લાખ 151 કરોડ 40 લાખ 262 કરોડ

આ પૈસા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક કમિટીને જુદા - જુદા હેડમાં પરત ફાળવે છે. પ્રજા પાસેથી વસુલેલા દંડના પૈસાથી રોડ એન્જિનિયરીંગ ઉપરાંત રસ્તાઓ ઉપર ઝીબ્રા ક્રોસિંગ, ટ્રાફિક સિગ્નલ, જનજાગૃતિ તેમજ ટ્રાફિક નિયમન માટે જરૂરી સાધનોની ખરીદી કરવામાં આવે છે. પરંતુ, છેલ્લા બે-ત્રણ વર્ષ દરમિયાન ટ્રાફિક દંડપેટે વસુલવામાં આવેલા પૈસા ગ્રાન્ટ સ્વરૂપે અમદાવાદ મ્યુનિ. કે  અમદાવાદ પોલીસને પરત મળ્યાં નથી તેમ સુત્રો કહે છે.

આ સમાચાર શેર કરો