મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આનંદો! નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યનું બજેટ કર્યું રજૂ, 2 એક્સપ્રેસ હાઈવે-12 હાઈસ્પીડ કોરિડોર સહિત અઢળક પ્રોજેક્ટ્સની જાહેરાત

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરુઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2

આનંદો! નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યનું બજેટ કર્યું રજૂ, 2 એક્સપ્રેસ હાઈવે-12 હાઈસ્પીડ કોરિડોર સહિત અઢળક પ્રોજેક્ટ્સની જાહેરાત

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરુઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ ચોથા બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષીય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. બજેટમાં ગુજરાતમાં બે નવા એકસપ્રેસ હાઇવે બનાવવાની જાહેરાત કરી છે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે.

આ ઉપરાંત દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે નાના શહેરોને હવાઇ માર્ગે જોડવા માટે 45 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે. બજેટમાં મહિલાઓ, ખેડૂતો સહિતના તમામ ક્ષેત્રો માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

ડીસાથી પીપાવાવ રસ્તાને "નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઇસ્પીડ કોરીડોર તેમજ એકસપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ ₹1020 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. "ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરીડોર" પ્રોજેકટ હેઠળ 1367 કિ.મી.ના 12 નવીન હાઇસ્પીડ કોરીડોર વિકસાવવામાં આવશે. વધુમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને "નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે.

"સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે" વિકસાવવામાં આવશે

આ ઉપરાંત અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં "સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે" તરીકે વિકસાવવામાં આવશે. તેમજ મહત્વના પ્રવાસન સ્થળોને હવાઇ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે.

દેશમાં ચાર વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવામાં આવશે

નીતિ આયોગે દેશમાં ચાર વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવા પસંદ કર્યા છે. જેમાં સુરત ઇકોનોમિક રીજીયન(SER)નો સમાવેશ થાય છે. આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે 56 પરિયોજનાઓ બનાવવામાં આવી છે. જેનાથી SER હેઠળના સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એમ છ જિલ્લાઓમાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે.

ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક રીજીયન (SER)સહિત કુલ છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે. જેના માટે હાલ અમદાવાદ ક્ષેત્ર, વડોદરા ક્ષેત્ર, રાજકોટ ક્ષેત્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ માટે રીજનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં બાકી તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે. જેનાથી રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રિય આર્થિક વિકાસ શક્ય બનશે.

બજેટ પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ

બજેટ પહેલા બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ હથકડીઓ અને પોસ્ટર પહેરીને કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડીપોર્ટ કરાયેલા લોકોને જે રીતે હથકડી અને સાંકળ બાંધીને મોકલવામાં આવ્યા હતા તેને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે

આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.

12 હાઈસ્પીડ કોરિડોર, ત્રણ શહેરોમાં મેટ્રો, ગિફ્ટ સિટીમાં રિવરફ્રન્ટ: બજેટમાં શહેરો માટે મોટી જાહેરાત

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો વિકાસલક્ષી કાર્યો ઉપરાંત સબસિડી પર ફોકસ કરતાં રૂ. 3,70,250 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાણામંત્રીએ દિન-પ્રતિદિન વધી રહેલી ટ્રાફિક સમસ્યાઓ તેમજ માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવાના હેતુ સાથે ટ્રાફિકના ઉકેલ માટે રૂ. 1020 કરોડની ફાળવણી કરી છે. જેમાં ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર’ પ્રોજેક્ટ હેઠળ 1369 કિમીના 12 લેટેસ્ટ હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે.

કનુભાઈએ જણાવ્યું કે, રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે વિકસાવવા માટે બજેટમાં કુલ રૂ. 1020 કરોડની ફાળવણી કરવામાં આ છે. વધુમાં ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર’ પ્રોજેક્ટ હેઠળ 1369 કિમીના 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે.

રિવરફ્રન્ટના વિકાસ માટે રૂ. 350 કરોડ

દેશના સૌથી લાંબા રિવરફ્રન્ટ માટે વધુ  રૂ. 350 કરોડ ફાળવવામાં આવ્યા છે. કનુભાઈ દેસાઈએ સાબરમતી નદી પર અમદાવાદ-ગિફ્ટ સિટી ગાંધીનગરને જોડતા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી પ્રગતિમાં છે. બાકીના પાંચ ફેઝનું કામ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. દેશના સૌથી લાંબા રિવરફ્રન્ટના કામ માટે બજેટમાં રૂ. 350 કરોડ ફાળવું છું.

મેટ્રો રેલ ફેઝ-2ની કામગીરી આ વર્ષે પૂર્ણ થશે

અમદાવાદ, ગાંધીનગર, અને સુરત મેટ્રો વિસ્તરણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં મેટ્રો રેલ ફેઝ-2ની કામગીરી ડિસેમ્બર, 2025 સુધીમાં પૂર્ણ થશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના 55 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. આગામી નાણાકીય વર્ષમાં આ ક્ષેત્રે રૂ. 2730 કરોડ ફાળવવામાં આવ્યા છે.

માર્ગ-મકાન વિભાગ માટે 24705 કરોડની ફાળવણી

રાજ્યના વિકાસ માટે માર્ગ અને પુલ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ  અને નિર્માણ કરવાનું આયોજન છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ. 5000 કરોડ, પ્રવાસન સ્થળોને જોડતાં 150 જેટલા રસ્તાઓને પહોળા-રીસરફેસ કરવા રૂ. 2639 કરોડની જોગવાઈ કરી છે.

કુદરતી આપત્તિનો સામનો કરવા સજ્જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

ગુજરાતમાં ભૂકંપ, ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓની શક્યતાઓ જોવા મળે છે. આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવાના લક્ષ્ય સાથે કુદરતી આપત્તિનો સામનો કરવા સજ્જ વીજ માળખું, રસ્તાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવાની જોગવાઈ પણ બજેટમાં રજૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો