મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત મહિલા ભાજપ નેતા આપઘાત, કોર્પોરેટર ચિરાગે નિવેદનમાં દિપીકા સાથે સંબંધ હોવાની સાથે કર્યા ઘટસ્ફોટ

સુરતના અલથાણ વિસ્તારમાં ભાજપની મહિલા નેતા દિપીકા નરેશ પટેલના આપઘાતનું કોકડું રોજે

સુરત મહિલા ભાજપ નેતા આપઘાત, કોર્પોરેટર ચિરાગે નિવેદનમાં દિપીકા સાથે સંબંધ હોવાની સાથે કર્યા ઘટસ્ફોટ

સુરતના અલથાણ વિસ્તારમાં ભાજપની મહિલા નેતા દિપીકા નરેશ પટેલના આપઘાતનું કોકડું રોજે રોજ વધુ ગૂંચવાઈ રહ્યું છે. રોજે રોજ નવા નવા ફણગાં ફૂટી રહ્યાં છે. દિપીકા પટેલના આપઘાતના દિવસથી શંકા ના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીની બીજીવાર અઢી કલાક પૂછપરછ કરાઈ હતી. જેમાં પણ દિપીકા પટેલના આપઘાતનું કારણ સામે આવ્યું હોય એવું લાગી રહ્યું નથી. જોકે, હજુ પણ દિપીકા પટેલના આપઘાતના કારણને લઈને રહસ્ય જ સર્જાયેલું છે. આ આખા કેસમાં પોલીસની ભૂમિકા પણ શંકા ઉપજાવતી હોય એવી શક્યતા પણ રહેલી છે.

આ પણ વાંચોઃ ભાજપ મહિલા નેતાના આપઘાતનું કારણ પ્રેમ, પૈસા કે પીડા? અગાઉ દિપીકાએ 2 વાર જિંદગી ટૂંકાવવા પ્રયાસ કરેલો

બેસણામાં આપી હાજરી

મૃતક દિપીકા પટેલના બેસણામાં કોર્પોરેટર ચિરાગ સોલંકીએ હાજરી આપી હતી. જ્યાં તેણે કહ્યું કે, હું દીપિકાને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું. દિપીકાના આત્મહત્યા મામલે પોલીસ તપાસ કરી રહી છે. હું પોલીસને સહકાર આપી રહ્યો છું. મારે બીજું કઈ બોલવું નથી તેમ તેણે વધુમાં ઉમેર્યું હતું. 

પારિવારિક સંબંધ હોવાનો સ્વીકાર

કોર્પોરેટર ચિરાગ સિંહ સોલંકીની અઢી કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં વીડિયોગ્રાફી સાથે તમામ પૂછપરછ કરાઈ હતી. પોલીસના સવાલોના જવાબોમાં ચિરાગે દિપીકા સાથેના સંબંધમાં જણાવ્યું હતું કે, તે તેની માનેલી બહેન હતી. તેના પરિવાર સાથે પારિવારિક સંબંધો હતા. જ્યારે દિપીકાએ આપઘાત અંગે કરેલા કોલ વિશે ચિરાગને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, દિપીકાના પરિવાર સાથે તેનો પારિવારિક સંબંધ હતો અને તે રોજ દિપીકા અને તેના પતિ સાથે કોલ પર વાતચીત કરતો હતો. જેથી રોજ કોલ કરવામાં આવતા હતા. દિપીકાએ આપઘાતના દિવસે પણ 15 જેટલા કોલ કર્યા હતા.

દિપીકા સ્ટ્રેસમાં રહેતી હતી

ચિરાગે વધુમાં જણાવ્યું હતું કે, દિપીકા હિંમતવાન, પાવરફુલ, ઈમોશનલ અને કોઈ વાતનું માઠું ઝડપથી લાગી જવું અને ગુસ્સાવાળી હતી. તે દિવસે પણ તેને કોઈ વાતનું માઠું લાગી આવ્યું હોવાની શક્યતા છે. ત્યારબાદ જ તેણે આટલું આકરું પગલું ભરી લીધું હોવાની શક્યતા છે. દિપીકાએ જ્યારે સ્ટ્રેસમાં હોવાનું અને આપઘાત કરવાનું જણાવ્યું એટલે તુરંત દોડીને તેના ઘરે પહોંચી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

ફોન એફએસએલમાં મોકલાયો

આ મામલે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દિપીકાનો આઇ ફોન લોક હોવાથી FSLમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે આજે ચિરાગને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો ત્યારે તેના ફોનની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં તેને કોલની ડીટેલ અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. જેમાં રોજ દિપીકા અને તેના પતિ નરેશ સાથે ચિરાગની વાત થતી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેની સામે CCTV ચાલુ કરીને તેની પણ ઊલટ તપાસ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો