પાવીજેતપુર સુસ્કાલ ગામે પિતાએ 8 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી, આરોપીએ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર હેઠળ

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામે બનેલી પિતાએ 8 વર્ષના પુત્રની હત્યા કર્યા હોવાનો આરોપ છે. હત્યા બાદ આરોપીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પ્રાથમિક વિગતો અનુસાર, દિનેશભાઈ લાલાભાઈ નાયકા પર પોતાના આઠ વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કરવાનો આક્ષેપ છે. ઓરસંગ નદીના કિનારે બનેલી આ ઘટના બાદ બાળકના મૃતદેહને ખાડામાં નાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
હત્યા બાદ આપઘાતનો પ્રયાસ
બાળકના મોત બાદ પિતાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પાવીજેતપુર પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીના અગાઉ પત્ની સાથે છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તેઓ માનસિક તણાવમાં રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જોકે, ઘટનાનાં ચોક્કસ કારણો અંગે હાલ તપાસ ચાલી રહી છે.
પોલીસ તપાસ શરૂ
બીજી તરફ, પોલીસ દ્વારા બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે એફએસએલની ટીમ દ્વારા વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે સંજોગો અને ઘટનાક્રમની સ્પષ્ટતા માટે આસપાસના લોકોનાં નિવેદનો નોંધવામાં આવી રહ્યાં છે. હાલ સમગ્ર મામલે પાવીજેતપુર પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકત અને અન્ય વિગતો સ્પષ્ટ થઈ શકશે.











