પાલીતાણામાં પિતા અને કાકાએ પોતાની જ દિકરીને મોતને ઘાટ ઉતારી, નાનાએ નોંધાવી પોલીસ ફરિયાદ
ભાવનગરમાંથી એક હૈયુ કંપાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક યુવતી પ્રેમ સંબંધમાં હોવાને કારણે

ભાવનગરમાંથી એક હૈયુ કંપાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક યુવતી પ્રેમ સંબંધમાં હોવાને કારણે તેના જ પરિવારજનોએ તેની હત્યા કરી નાખી છે. ભાવનગર જિલ્લામાં પાલીતાણાના રાણપરડા ગામે યુવતીને પ્રેમ કરવા બાબતે મોતની સજા મળી છે. રાણપરડા ગામે રહેતી એક 19 વર્ષીય યુવતીની તેના પિતા અને કાકાએ હત્યા કરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે.
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબધ હતો જેને લઈને યુવતીના પિતા અને કાકાએ તેની હત્યા કરી નાખી હતી. યુવતીનું ગળું દબાવીને હત્યા કરી તેમજ સગા સંબંધીઓને જાણ કર્યા વગર યુવતીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. જેને પગલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હત્યાનો બનાવ 7 માર્ચે બન્યો હતો અને યુવતીના નાનાએ આ મામલે આજે પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી છે. હત્યાને મામલે પોલીસ દ્વારા દીપક ધીરુભાઈ રાઠોડ અને ભવસાંગ ઉર્ફે લાલજી ધીરુ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાલીતાણા રૂરલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.




