VIDEO: લાખણીમાં ખેડૂતોનો અનોખો વિરોધ: બાજરીના ટેકાના ભાવ અને ખરીદી કેન્દ્ર મુદ્દે મામલતદાર કચેરીએ હોબાળો
બનાસકાંઠાના લાખણીમાં બાજરીની ટેકાના ભાવે ખરીદી

બનાસકાંઠાના લાખણીમાં બાજરીની ટેકાના ભાવે ખરીદીને લઈને ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. પોતાની પડતર સમસ્યાઓના ઉકેલની માંગ સાથે ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલીમાં બાજરી ભરીને લાખણી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને કચેરીના મુખ્ય ગેટ પર જ બાજરી ઢોળીને રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગણીઓ પૈકી જે ખેડૂતોના ખાતા ટેકાના ભાવે બાજરી વેચાણ માટે બ્લોક કરી દેવામાં આવ્યા છે, તેમને તાત્કાલિક અનબ્લોક કરવાની છે. આ ઉપરાંત, દૂરના ભાભર ખાતે ફાળવવામાં આવેલા ખરીદી કેન્દ્રને બદલે લાખણીમાં જ ખરીદી કેન્દ્ર ફાળવવાની માંગ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને આર્થિક હાલાકી ભોગવવી ન પડે. ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપીને જો માંગણીઓનો સત્વરે સ્વીકાર નહીં થાય, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તંત્ર હવે ખેડૂતોની આ વ્યાજબી માંગણીઓ પર કેવો નિર્ણય લે છે, તે જોવું રહ્યું.




