સુરતની શાળાના શિક્ષિકા થયા વયનિવૃત, વિદ્યાર્થીઓને 39 વર્ષ સંસ્કારના પાઠ શીખવનારને અપાયું વિદાયમાન
વિદાય એટલે વિશેષ દાયિત્વ એવા શબ્દો સાથે 39 વર્ષ સુધી પ્રાથમિક શાળાના બાળકોને ભણાવનાર શિક્ષકાનો વિદાય સમારંભ

વિદાય એટલે વિશેષ દાયિત્વ એવા શબ્દો સાથે 39 વર્ષ સુધી પ્રાથમિક શાળાના બાળકોને ભણાવનાર શિક્ષકાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. નાના ભૂલકાઓને શિક્ષણ અને સંસ્કારના પાઠ શીખવનારા શિક્ષકા વયનિવૃત થયાં હતાં. આ પ્રસંગે યોજાયેલા સમારંભમાં પૂર્વ વિદ્યાર્થીઓથી લઈને સાથી શિક્ષકોએ પણ ખાટાં મીઠા દિવસોને યાદ કર્યા હતાં. વિદાય લઈ રહેલા શિક્ષિકા અને તેમના પરિવારે શાળાને વોટર કૂલરની ભેટ આપી હતી. તો નાળિયેર સહિતની વસ્તુઓથી સ્ટાફે સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.
નિવૃતિ પછીની પ્રવૃતિ
મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી મનુભાઈ પંચોળી દર્શક પ્રા.શાળાના ક્રમાંક 249ના શિક્ષિકા ગીતાબેન રમણીકભાઈ નાવડીયા વયનિવૃત થયાં હતાં. 39 વર્ષની સુદીર્ઘ સેવા આપ્યા બાદ તેઓ નિવૃત થયાં હતાં. આ તબક્કે નિવૃતિ પછીની પ્રવૃતિમાં જોડાનારા ગીતાબેનને વિદાયમાન આપવામાં આવ્યું હતું. જેમાં તેમને નિરોગી સ્વાસ્થ્ય સાથેની શુભકામના આપવામાં આવી હતી.
શાળામાં સમય વિતાવવો જીવનનો અમૂલ્ય ભાગ
સારી પ્રવૃતિ કરતાં રહો ભગવાન ઓનલાઈન નોંધ લે છે તેવું હંમેશા સ્ટાફ સહિતના વિદ્યાર્થીઓને કહેનાર ગીતાબેન નાવડીયાએ કહ્યું કે, શાળામાં ભૂલકાઓ સાથેનો સમય વિતાવવો જીવનનો અમૂલ્ય ભાગ હતો. હવે આ તકે નિવૃત થયા બાદ તેનું દુઃખ રહેશે. જો કે, પૌત્ર-પોત્રી સહિત પરિવારને સમય આપી શકાશે. સાથે સેવાકીય કાર્યો પણ સમાજ ઉપયોગી કરવામાં આવશે.
હરખ-દુઃખની લાગણી દેખાઈ
શાળાના આચાર્ય સહિતના સ્ટાફે ગીતાબેન સાથે વિતાવેલા સમય અને તેમના કાર્યને બિરદાવ્યું હતું. તમામે એકસૂરે કહ્યું કે, ગીતાબેનની ગેરહાજરી શાળામાં સતત રહેશે. વિદ્યાર્થીઓમાં પણ તેમની હાજરી ગેરહાજરી વર્તાશે. તો પરિવારજનોએ કહ્યું કે, તેઓ અમારી સાથે પૂર્ણ સમય રહેશે. જેનો અમને આનંદ છે. હરખ અને દુઃખની મિશ્ર ક્ષણ વિદાયના પ્રસંગમાં તમામે ભીની આંખે અનુભવી હતી.




