મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અરવલ્લીમાં નકલી સિંચાઈની કચેરી મામલે નિવૃત ઈજનેર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અરવલ્લીમાં કથિત નકલી સિંચાઈ કચેરી ઝડપાવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે. નાની

અરવલ્લીમાં નકલી સિંચાઈની કચેરી મામલે નિવૃત ઈજનેર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અરવલ્લીમાં કથિત નકલી સિંચાઈ કચેરી ઝડપાવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે. નાની સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સાબલિયા દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી છે. નકલી સિંચાઈ કચેરીને મામલે નિવૃત્ત કાર્યપાલક ઈજનેર પી.એમ. ડામોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તારીખ 1/11/2022થી 24/6/2023 દરમિયાન કામોમાં વિસંગતતા જણાઈ હતી. આ મામલે મોડાસાના તિરુપતિ રાજ બંગલોમાં કોમ્પ્યુટર, માપપોથી સહિત સ્ટેમ્પ જેવો અનેક ઓફિસને લગતી સ્ટેશનરીનો સામાન મળી આવ્યો હતો. સરકાર દ્વારા નિમાયેલ સમિતિના અહેવાલ બાદ આ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કરાર આધારિત કાર્યપકલ ઈજનેરની ફરજ દરમિયાન કરેલ કામોમાં સરકારને નાણાકીય નુકસાનનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

સિંચાઈના નિવૃત અધિકારીઓ નકલી કચેરી ચલાવતા હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ કચેરીમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી અને નિવૃત અધિકારીઓ સહિત 4થી 5 લોકો કામ કરતા જોવા મળ્યા હતા. નકલી કચેરી ત્રણ વર્ષથી કાર્યરત હોવાની આશંકા સાથે સમગ્ર પ્રકરણનો બાયડના ધારાસભ્યએ પર્દાફાશ કર્યો હતો. બાદમાં મોડાસા ટાઉન પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

ધારાસભ્યએ કચેરીની સ્થળ તપાસ હાથ ધરી

રાજયના દાહોદ જિલ્લા અને બોડેલી તાલુકામાં નકલી સિંચાઈ કચેરી ઝડપાયા બાદ નકલી કચેરીનો સિલસિલો ચાલુ રહયો હતો. જેમાં 22 કરોડના કૌભાંડ પણ બહાર આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે છેલ્લા 3 વર્ષથી એક કચેરીમાં સિંચાઈ વિભાગનો વહીવટ ચાલતો હોવાની ફરિયાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને મળી હતી. આ મુદ્દે ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેકટર અને પોલીસવડાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરાતા ધારાસભ્યએ મોડાસાની તિરૂપતિ રાજ રેસીડેન્સીમાં કાર્યરત કથિત નકલી કચેરીની સ્થળ તપાસ હાથ ધરી હતી.

રબ્બર સ્ટેમ્પ, લેટરહેડ, બિલો, પ્રિન્ટર અને કોમ્પ્યુટર સહિતની સામગ્રી મળી

આ કચેરીમાંથી ૫૦થી વધુ રબ્બરના સ્ટેમ્પ,કોરા બીલ, લેટર પેડ તળાવો ભરવાની મંજૂરીના પત્રો, પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતની સામગ્રી મળી આવી હતી. સિંચાઈ વિભાગની નકલી કચેરીમાંથી ભાગ્યોદય હાર્ડવેર, જલારામ સિમેન્ટ ડેપો, ક્રિષ્ણા ટ્રેડર્સ, શિવમ્ સિમેન્ટ ડેપો વગેરે પેઢીના કોરા બીલો મળી આવ્યા હતા. અને કચેરીમાં તપાસ દરમિયાન જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી અને આજ વિભાગના નિવૃત્ત ડી.ઈ. સહિત 4થી 5 લોકો કામ કરતા જોવા મળ્યા હતા. મોડાસામાં નકલી કચેરી મળી આવી એવા વાયુવેગે સોશીયલ મિડિયામાં સમાચારલ પ્રસર્યા હતા. અને મોડાસા ટાઉન પોલીસ, એલસીબી સહિત પંચાયતના અધિકારીની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી.

આ સમાચાર શેર કરો