મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં અહીં વિકાસનો 'વ' પણ નથી પહોચ્યો, આઝાદીના આટલા વર્ષે પણ લોકો જાતે કાચા રસ્તા બનાવવા મજબૂર!

નસવાડી તાલુકાના કુકરદા ગામે આઝાદીના વર્ષો પછી પણ ડામર રસ્તા નથ

ગુજરાતમાં અહીં વિકાસનો 'વ' પણ નથી પહોચ્યો, આઝાદીના આટલા વર્ષે પણ લોકો જાતે કાચા રસ્તા બનાવવા મજબૂર!

નસવાડી તાલુકાના કુકરદા ગામે આઝાદીના વર્ષો પછી પણ ડામર રસ્તા નથી. કાચા રસ્તા ચોમાસામાં ધોવાઈ જતા ગ્રામજનોએ પથ્થરો પુરી જાતે રીપેર કરવા પડે છે. આદિવાસી સમાજના લોકોની રસ્તા વગર દયનિય હાલત થઈ જાય છે. પંચાયત માર્ગ મકાન વિભાગ પાસે એક કરોડ રૂપિયા રસ્તા રીપેરીંગ માટેની મંજૂરી હોવા છતાંય અધિકારીઓએ રસ્તા રીપેરીંગ ન કરાવતા લોકો જાતે રસ્તો રીપેરીંગ કરવા માટે મજબુર બન્યા છે. 

દર્દીને જોળીમાં લઈ જવા પડે છે

નસવાડી તાલુકાના કુકરદા ગામની 4 હજાર જેટલી વસ્તી છે. 12 જેટલા ફળીયા આવેલા છે. જયારે આ ફાળિયાઓમાં રસ્તા ન હોવાથી મુખ્ય માર્ગ ઉપર પહોંચવા માટે ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે. ચોમાસામાં કાચા રસ્તા ધોવાઈ જતા ગ્રામજનો અને સરપંચ વારંવાર પંચાયત માર્ગ મકાન વિભાગ નસવાડીની કચેરીને રસ્તા રીપેરીંગ માટે રજૂઆત કરવા છતાંય રસ્તા રીપેરીંગ ન થતા ગ્રામજનો જાતે જ શ્રમદાન કરી અને રસ્તાના રીપેરીંગ માટે ડુંગરોમાંથી પથ્થરો વીણીને મોટા મોટા ખાડાઓમાં પથ્થરો પુરી તેના ઉપર માટી નાખીને રસ્તાનું રીપેરીંગ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જયારે આ બાર ફાળિયાઓમાં રસ્તાના અભાવે કોઈ બીમાર પડે તો તેને જોળીમાં નાખીને આજે પણ લાવવામાં આવે છે અનેક વાર ગ્રામજનોએ ઢોલ વગાડી તંત્રની આંખો ખોલવા માટે આંદોલનો કર્યા છે.

રસ્તો બને તેવી લોકોની માગ

નસવાડી તાલુકાના કુકરદા ગામે સરકારે આટલા વર્ષોથી પાકા રસ્તાની સુવિધા આપી નથી. 15 કરોડ રૂપિયાની રસ્તા માટે જરૂરિયાત છે. ત્યારે ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરીને રસ્તો મંજૂર કરાવવો જોઈએ. હાલ તો બાળકો પ્રાથમિક શાળાએ પણ પગપાળા જાય છે. ત્યારે વચ્ચે કોતરો આવે છે. તેમાં પાણી હોવાથી વાલીઓ બાળકોને દરરોજ લેવા અને મુકવા માટે ફરજીયાત જાય છે. ત્યારે વાલીઓનો સમય પણ બગડે છે જ્યાં સુધી વાલીઓ ન આવે ત્યાં સુધી શાળાના શિક્ષક પણ બેસી રહે છે. આદિવાસી વિસ્તારમાં અનેક ગામોમાં આ સમસ્યા છે. ત્યારે સરકાર ઉત્સવોમાં કરોડો રૂપિયા ફાળવે છે. તેમાં ખર્ચ કરે છે. જયારે નાગરિકોનો મૂળભૂત અધિકાર રસ્તા અને વીજળી પાણીની સુવિધા આપવાની હોય છે. પરંતુ સરકાર કરોડો રૂપિયા ટેક્સ પ્રજા પાસેથી વસુલે છે. ત્યારે ટેક્સના નાણાં આદિવાસી વિસ્તારના વિકાસ માટે વાપરવા જોઈએ તેવી આદિવાસી સમાજની માંગ છે. 

આ સમાચાર શેર કરો