સુરતમાં તંત્રના અંધેર વહીવટથી પ્રજા પરેશાન, NOC આવી ગયા બાદ પણ દુકાનોના સીલ ખોલવામાં ઠાગઠૈયા
રાજકોટની દુર્ઘટના બાદ ભરનિંદરમાંથી જાગેલા તંત્રએ આડેધડ સીલ મારી દીધા હતાં. બીયુ, અને એનઓસી

રાજકોટની દુર્ઘટના બાદ ભરનિંદરમાંથી જાગેલા તંત્રએ આડેધડ સીલ મારી દીધા હતાં. બીયુ, અને એનઓસીના નામે દેખો ત્યાં સીલ મારી દેવાયા હતાં. રાત દિવસ સીલ મારવાની કામગીરી કરતું તંત્ર એનઓસી આવી જવા છતાં કોઈ જવાબ દેવા ન બંધાયું હોય તેવો ઘાટ સર્જાયો છે. જે ઝડપે સીલ મરાયા તે ઝડપે ખોલવામાં ઠાગઠૈયા કરવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. મોટા વરાછા ખાતે આવેલા તુલસી આર્કેડમાં 350 દુકાનોના કોમર્શિયલ બિલ્ડીંગને 8 દિવસ અગાઉ સીલ કરાયું હતું. 3 દિવસથી એનઓસી આવી ગઈ હોવા છતાં સીલ ન ખોલાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.
વેપારીઓને હેરાનગતિ
દુકાનદાર દિપક ગાંગાણીએ કહ્યું કે, 3 દિવસથી ફાયર સેફ્ટીની એનઓસી આવી ગઈ હોવાથી ખોલાતી નથી. 70 ટકા દુકાનો ભાડેથી ચલાવવામાં આવે છે. જેથી રોજી રોટી માટે આવેલા દુકાનદારોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. 350 દુકાનો આવેલી છે. શા માટે હજુ પણ સીલ નથી ખોલવામાં આવતા તે પણ કંઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. જેથી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
રોજિંદા નુકસાનનો વધતો આંકડો
દુકાનદાર સંજય માવાણીએ કહ્યું કે, મારી કપડાની દુકાન છે તુલસી આર્કેડમાં. અમારુ શોપિંગ 8 દિવસ અગાઉ સીલ કરી દેવામાં આવ્યું હતું. અમારે ત્યાં એનઓસી ન હોવાથી સીલીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આજે 3 દિવસ જેટલો સમય થયો એનઓસી આવી ગઈ હોવા છતાં સીલ ખોલવામાં આવતાં નથી. જેથી મારી જેમ ઘણા વેપારીઓને રોજિંદુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.








