સગા સંબંધીઓ અને અંગત વ્યક્તિઓને નોકરીએ લગાવ્યા, સાબર ડેરી ચેરમેન શામળ પટેલ સામે વધુ એક આક્ષેપ
સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ (સાબર ડેરી)ના

સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ (સાબર ડેરી)ના ચેરમેન શામળ પટેલ સામે વધુ એક ભ્રષ્ટાચારનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. નોકરીમાં સગા સંબંધીઓ સહિત પોતાના અંગત વ્યક્તિઓને નોકરી લગાવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સાબર ડેરી અને અન્ય સહકારી સંસ્થાઓમાં ચેરમેન બન્યા બાદ શામળ પટેલે પોતાના સગા-સંબંધીઓ અને નજીકના વ્યક્તિઓને નોકરીઓ આપી હોવાના દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ મુદ્દે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે, જેના કારણે શામળ પટેલ અને સાબર ડેરીના સંચાલન સામે સવાલો ઉભા થયા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે શામળ પટેલે સાબર ડેરીમાં પોતાના ગામ વિસ્તારના ઉમેદવારોને નોકરીઓ આપી છે. આ મેસેજમાં ચોક્કસ નામો સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પટેલે પોતાના નજીકના સગા-સંબંધીઓ અને અંગત સંબંધો ધરાવતા વ્યક્તિઓને પ્રાથમિકતા આપીને નોકરીઓની નિમણૂક કરી છે. આ આક્ષેપોના કારણે સાબર ડેરીની નિમણૂક પ્રક્રિયા પર પારદર્શિતાનો અભાવ હોવાની ચર્ચાઓ ઉઠી છે.


