ગુજરાતમાં પણ પાલિકાની ચૂંટણી પહેલા ચૂંટણીપંચ SIR શરૂ કરશે, બિહાર પછી રાજ્યોમાં મતદારયાદીનું શુદ્ધિકરણ
ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરવા કેન્દ્રીય ચૂંટણીપંચે મતદાર યાદી સુધારણા માટે નક્કી કર્યુ

ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરવા કેન્દ્રીય ચૂંટણીપંચે મતદાર યાદી સુધારણા માટે નક્કી કર્યુ છે. બિહાર પછી અન્ય રાજ્યોમાં પણ સ્પેશ્યિલ ઇન્ટેસિવ રિવીઝન (SIR) શરૂ થઇ શકે છે. દિવાળી બાદ ગુજરાતમાં પણ ચૂંટણી પંચ મતદાર યાદી સુધારમા શરૂ કરે તેવુ જાણવા મળ્યુ છે. જોકે, સોમવારે કેન્દ્રીય ચૂંટણીપંચ આ મામલે જાહેરાત કરી શકે છે.
ગુજરાતમાં SIRને લઇને ચૂંટણી પંચ કરશે જાહેરાત
ગેરકાયદેસર વસાહતોની ઓળખ કરી વિદેશીઓને મતદાર યાદીમાંથી દૂર કરવા તેમજ મતદાર યાદીને અપડેટ કરી ડુપ્લિકેટ મતદારોને દૂર કરાશે. આ આખીય પ્રક્રિયા પાછળનો હેતુ એ છે કે, મતદાર મૂળ ભારતીય નાગરિક છે કે નહીં, ગુજરાતમાં SIR પ્રક્રિયા હેઠળ મતદાર યાદી સુધારણા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે.
સૂત્રોનું કહેવું છે કે, દિવાળીની વિદાય બાદ ગુજરાતમાં મોટાપાયે મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. બધીય વિધાનસભા બેઠકોમાં બુથ લેવલ ઓફિસરોની નિમણૂંક કરવા પણ કવાયત શરૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત મતદાર યાદીના શુદ્ધિકરણને લઇને અધિકારીઓને તાલીમ આપવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
બુથ લેવલ ઓફિસર ઘર ઘર સુધી પહોંચીને મતદારની ઓળખ કરશે. આ ઉપરાંત નવા મતદારોને મતદાર યાદીમાં સામેલ કરવાની પણ કામગીરી કરાશે.
ગુજરાતમાં 62 લાખથી વધુ મતદારો શંકાના ઘેરામાં-કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં 62 લાખથી વધુ મતદારો શંકાના ઘેરામા છે. ચોર્યાસી બેઠક પર તો 6.09 લાખ મતદારો પૈકી 30 હજાર મતદારો ભૂતિયા છે જેનો પુરાવો પણ રજૂ કરાયો છે. વ્યક્તિના નામના સ્પેલિંગમાં ભૂલ કરીને નવા મતદાર બનાવી દેવાય છે. એપિક નંબર બદલીને મતદાર યાદીમાં નામ ઉમેરી દેવાય છે.જુદા જુદા સરનામા દર્શાવી મતદાર બનાવી દેવાય છે. આ આક્ષેપને પગલે રાજ્ય ચૂંટણીપંચ સામે પણ આંગળી ચિંધવામાં આવી છે.
સોમવારે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ છે જેમાં 10-15 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા માટે એલાન કરવામાં આવી શકે છે જેમાં ગુજરાતમાં પણ SIR શરૂ થઇ શકે છે.








