શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે H-TAT મુખ્ય શિક્ષકોને ઉપવાસ આંદોલન મોકૂફ રાખવા કરી અપીલ, જુઓ શું કહ્યું
ગુજરાતના H-TAT મુખ્ય શિક્ષકોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું

ગુજરાતના H-TAT મુખ્ય શિક્ષકોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે 15 જુલાઈ સુધી બદલીના નિયમો જાહેર કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. 16 જુલાઈથી આમરણ ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જે મુજબ આવતીકાલથી ગુજરાત રાજ્ય મુખ્ય H-TAT સંઘ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવનાર છે.
ઉપવાસ આંદોલન શરૂ થાય એ પહેલા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે H-TAT મુખ્ય શિક્ષકોને ઉપવાસ આંદોલન મોકૂફ રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું છે -
“સૌ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને નમ્ર અપીલ,
આપના બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કા માં છે. ટૂંક સમય માં એ જાહેર કરવામાં આવશે. તેથી કેટલાક એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવેલ આવતીકાલ ના ઉપવાસ આંદોલનને મોકૂફ રાખવા મારા સૌ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને અપીલ કરું છું.”
H-TAT મુખ્ય શિક્ષકોની માંગ
H-TAT મુખ્ય શિક્ષકો છેલ્લા ઘણા વર્ષોથી તેમની બદલી સહિત અન્ય નિયમો ઘડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ માટે વારંવાર આંદોલનો પણ કરવામાં આવ્યાં પરંતુ સરકારે કોઈને કોઈ રીતે આંદોલનો શાંત કર્યા છે. છેલ્લે આમરણ ઉપવાસનું આંદોલન કર્યુ હતું અને અલ્ટીમેટમ આપ્યું હતું ત્યારે સરકારે કહ્યુ હતું કે, 15 જુલાઈ સુધીમાં તમામ નિયમો બનાવીને જાહેર કરી દેવામાં આવશે.






