ડાકોર: મંગળા આરતી સમયે દર્શન કરવાની જગ્યા બાબતમાં ભક્તો બાખડ્યા, દર્શન કરવા બાબતે થઈ છુટાહાથની મારામારી
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર વિવાદોના વંટોળમાં સપડાયું

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર વિવાદોના વંટોળમાં સપડાયું છે. મળતા અહેવાલ અનુસાર વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરવાને લઈને મંદિરના ઘુમ્મટમાં જ શ્રદ્ધાળુઓ વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ મારામારી થઈ હતી.
જેને પગલે ભક્તોમાં ભાગદોડ મચી જવા પામી હતી. દર્શન કરવાની જગ્યા બાબતમાં ભક્તોના ટોળાએ મારામારી કરતા મામલો ગરમાયો હતો. ઉલ્લેખનિય છે કે કમિટી તરફથી વ્યવસ્થાના નામે મીડું જોવા મળી રહ્યું છે.
આ ઘટનાને પગલે મંદિરના સ્વયં સેવકો, રણછોડ સેના અને સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. સામાન્ય દર્શન કરવાની બાબતનું ઉગ્ર સ્વરૂપ સામે આવ્યું હતું. ગત પૂનમે પણ ભક્તો ચમ્પલ પહેરીને ઘુમ્મટમાં જોવા મળ્યા હતા. ભક્તો વચ્ચે મારામારી થતા ડાકોર ટેમ્પલ કમિટીના કર્મચારી રણછોડ સેનાદ્વારા મામલો થાળે પાડ્યો હતો.






