હોસ્પિટલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટર ઐયાશી-મારામારી કરવામાં માહેર, રેગિંગમાં છ મહિના કરાયેલો સસ્પેન્ડ
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં થાઈ ગર્લ આવતા વિવાદ સર્જા

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં થાઈ ગર્લ આવતા વિવાદ સર્જાયો છે. થાઈ ગર્લને હોસ્ટેલમાં બોલાવનાર ઓર્થોપેડિક વિભાગનો રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીના કારણે સમગ્ર હોસ્પિટલની સાથે પાલિકાની આબરૂના ધજાગરા થઈ રહ્યા છે. ત્યારે 10 મહિના પહેલા જ ઋત્વિક દરજીએ જૂનિયરને દોડાવી દોડાવીને માર માર્યો હતો. આ કેસમાં તેને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે રંગરેલિયા મનાવતા પકડાતા તંત્ર દ્વારા તેની સામે કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.
રેગિંગ કર્યુ હતુ
સ્મીમેર હોસ્પિટલમાં 1 ઓગસ્ટ 2023માં વિવાદમાં આવ્યો હતો. જે-તે દિવસે મોડીરાત્રે ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીએ જુનિયર રેસિડેન્ટને ત્રીજા માળે આવેલા વોર્ડથી છેક બીજા માળ સુધી દોડાવી-દોડાવીને ફટકાર્યો હતો. જૂનિયર રેસિડેન્ટ ડોક્ટરની બચાવો-બચાવોની બૂમો સાંભળી સિક્યોરિટી માર્શલ અને વોર્ડબોયે દોડી આવી તેને બચાવ્યો હતો. રાત્રે જ આખો મામલો આરએમઓ, વિભાગન ઇન્ચાર્જ વડા અને યુનિટ વડા સુધી પહોંચી ગયો હતો. જેથી ઋત્વિકને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
3 મહિના અગાઉ પરત આવેલો
ઋત્વિક દરજી સસ્પેન્શન બાદ છેલ્લા 3 મહિનાથી જ પરત આવ્યો હતો. 3 મહિનામાં જ પોતાનું પોત ઋત્વિક દરજીએ પ્રકાશ્યું હતું.થાઈ ગર્લને હોસ્ટેલની રૂમમાં લાવીને તમાચા મારી દીધા હતા. જેને પગલે સમસમી ઉઠેલી થાઈ ગર્લ પોતાના અસ્ત વ્યસ્ત કપડાં હોવા છતાં રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઈ હતી. બાદમાં સીધી સિક્યુરિટી પાસે પહોંચી હતી.
રંગરેલિયા મનાવતા ફરી વિવાદ
સ્મીમેર હોસ્પિટલના કોલેજ કેમ્પસમાં આવેલ હોસ્ટેલમાં એક રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કથિત રીતે રંગરેલિયા મનાવવા માટે થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી. જો કે, ત્યારે કોઈ કારણસર તેની સાથે ઝગડો થતાં રેસિડેન્ટ ડોક્ટરે થાઈ ગર્લને તમાચો મારી દીધો હતો. જેને લઈને અસ્ત વ્યસ્ત હાલતમાં થાઈ ગર્લ હોસ્ટેલના રૂમમાંથી ભાગી હતી. જેને લઈને આખો મામલો તંત્રની સામે આવ્યો હતો. રેસિડેન્ટ ડોક્ટર રૂત્વિક આ થાઈ ગર્લને હોસ્ટેલમાં લાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.








