સુરતમાં રત્નકલાકારોને દિવાળીએ ડામ, કારખાનેદાર પગાર આપ્યા વગર ગાયબ
છેલ્લા બે વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ સંજોગોમાં કતારગામ વિસ્તારમાં આવેલ

છેલ્લા બે વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ સંજોગોમાં કતારગામ વિસ્તારમાં આવેલા વિરાણી ડાયમંડના સંચાલકો કારીગરોને પગાર આપ્યા વગર કારખાનું બંધ કરી ગાયબ થઈ જતા હીરા ઉદ્યોગમાં ભારે હોબાળો મચી ગયો છે. કારીગરોએ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત સમક્ષ ધામા નાખતાં હવે સમગ્ર મામલો કતારગામ પોલીસમાં પહોંચ્યો છે.
કારખાનેદારે કર્યા ફોન બંધ
ડાયમંડ વર્કર યુનિયને કહ્યું કે,કારીગરોની ફરિયાદ આવતા કતારગામના વિરાણી ડાયમંડના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવા પોલીસમાં અરજી આપવામાં આવી છે. રત્નકલાકારો જ્યારે કારખાનાના માલિકને મળ્યા હતા, ત્યારે તેમના તરફથી બહુ દબાણ કરશો તો આપઘાત કરી લેવાની ધમકી આપવામાં આવી હતી. સંચાલકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ફોન પણ બંધ આવી રહ્યો હોવાથી આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે કતારગામ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
કારખાનેદાર થયા ગાયબ
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કતારગામ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવા રજૂઆત થઈ છે. પોલીસ સમક્ષની રજૂઆત મુજબ, 9 જેટલા રત્નકલાકારોને પગારના 10.41 લાખ લેવાના નીકળે છે. ઘણા સમયથી વિરાણી ડાયમંડના સંચાલક અમિત વિરાણી અને વિરેન વિરાણી દ્વારા પગાર આપવામાં આવી રહ્યો નહોતો અને પગાર આપવાનો સમય આવ્યો, ત્યારે તેઓ કારખાનું બંધ કરી ગાયબ થઈ ગયા છે. તેઓ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા રણીયાળા ગામના વતની છે.








