સુરતમાં રત્નકલાકારની દીકરી હીરાની જેમ ચમકી, કોમર્સમાં A-1 ગ્રેડ મેળવી પરિવારનું નામ કર્યુ રોશન
ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-12ની પરીક્ષાના પરિણામ જાહેર થ

ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-12ની પરીક્ષાના પરિણામ જાહેર થયાં છે. જેમાં સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતાં પિતાની દીકરીએ ધોરણ 12 કોમર્સમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. પિતાની ટૂંકી આવકમાં પણ અથાક મહેનત કરીને એ-વન ગ્રેડ સાથે પરીક્ષા પાસે કરી છે. ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થિનીએ ડેટા સાયન્સ એઆઈનો કોર્ષ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
રોજની 8 કલાકની મહેનત
વરાછા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ સખવાળા હીરામાં કામ કરે છે. આઠ પેલના કારીગર એવા રાજેશભાઈની દીકરી હેમાંશીએ 12 કોમર્સમાં 95.14 ટકા સાથે 99.96 પીઆર પ્રાપ્ત કર્યા છે. હેમાંશીએ કહ્યું કે, આ સફળતા માટે તે 11મું ધોરણ શરૂ થયું ત્યારથી જ રોજની આઠ કલાક જેટલી મહેનત કરતી હતી. રોજે રોજની તૈયારી રોજ કરતી હતી. શાળામાં જે ભણાવવામાં આવે તે સાથે ડાઉટ પણ શિક્ષકો પાસે ક્લિયર કરાવતી હતી.
માતા-પિતા 10 ધોરણ જ ભણી શક્યા
હેમાંશીએ સફળતાનો શ્રેય પોતાની તપોવન સ્કૂલને આપ્યો હતો. સાથે જ કહ્યું કે, અહિંના શિક્ષકો અને આચાર્ય મનસુખભાઈ ગોટી દ્વારા સતત હૂંફ આપવામાં આવતી હતી. શિક્ષકોના માર્ગદર્શન અને મોટિવેશનના કારણે આ સફળતા મળી છે. ત્યારે આગામી સમયમાં નિરમા યુનિવર્સિટીમાંથી ડેટા સાયન્સ એઆઈ ટેક્નોલોજીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે. માતા દક્ષાબેન અને પિતા 10 ધોરણ સુધી જ ભણી શક્યા છે. ત્યારે હું આગળ ભણીને હું પરિવારનું નામ રોશન કરવા ઈચ્છું છું.








