દેવભૂમિ દ્વારકા : લાડવા ગામે PGVCL કર્મચારીએ કરી પિતાની હત્યા, જાણો શું હતું કારણ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાડવા ગામે 4 જુલાઈ ના રોજ રાત્રિના સમયે એક વૃદ્ધની બોથડ પદાર્થ વડે ઘાતકી હત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાડવા ગામે 4 જુલાઈ ના રોજ રાત્રિના સમયે એક વૃદ્ધની બોથડ પદાર્થ વડે ઘાતકી હત્યા નીપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ મૃતકના પુત્ર દ્વારા મિલકતની લાલચમાં પોતાના પિતાની ઘાતકી હત્યા નિપજાવ્યાનું ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે આરોપી એવા PGVCLના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશીયન પુત્રની અટકાયત કરી લીધી છે.
દ્વારકા નજીક આવેલા લાડવા ગામની સીમમાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા મોહનભાઈ ભીમાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષની ઉંમરના વૃદ્ધ ગત 4 જુલાઈના રોજ પોતાના ખેતરમાં રખોપું કરવા માટે રાત્રિના સમયે સૂતા હતા. ત્યાર બાદ બીજા દિવસે ખાટલા પરથી તેમનો લોહી નીતરતો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે મૃતકના પુત્ર સતીશ મોહનભાઈ સોનગરાની ફરિયાદ નોંધી દ્વારકા પોલીસે આરોપીને ઝડપી લેવા માટે તપાસ આરંભી હતી.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું મૃતક મોહનભાઈનો મોટો પુત્ર રાજેશ કે જે PGVCLમાં આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિશીયન તરીકે ફરજ બજાવે છે, તે પોતાના પિતાને હેરાન પરેશાન કરવાના આશયથી અવારનવાર તેમના ઘર નજીક રોડ પર જઈ અને સ્ટ્રીટ લાઇટ બંધ કરી દેતો હતો. આટલું જ નહીં, તેમના ઘર પર પથ્થરના ઘા પણ ફેંકતો હતો.
આ કૃત્યનું મૂળ એ હતું કે આરોપી રાજેશ દલવાડીને પોતાના પિતા પાસે જમીનમાંથી ભાગ જોતો હતો અને અવારનવાર ભાગની માંગણી પણ કરતો હતો. પોલીસે રાજેશની અટકાયત કરી અને આગવી ઢબે પૂછપરછ કરતા પોપટ બનીને તેણે પોતાના પિતાની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો.






