પાકિસ્તાની જાસૂસી સંસ્થા માટે કામ કરતો ગુપ્તચર ઝડપાયો, દ્વારકામાં ગુજરાત ATSની મોટી સિદ્ધિ

ગુજરાત ATSએ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે જેમાં ગુજરાત ATSએ દિપેશ ગોહિલ નામના આ વ્યક્તિની પૂછપરછ શરુ કરી છે.
અહેવાલો અનુસાર, ગુજરાત ATSએ ઓખામાં રહેતા દિપેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તે છેલ્લા ઘણાં સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્ત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. દિપેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદની તસવીરો પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલતો હતો.
આ પણ વાંચો : મસ્જિદોમાં મંદિર હોવાના દાવાઓને લઈને હવે AIMPLB પણ સુપ્રીમ કોર્ટના દરવાજે
પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે, દિપેશ ગોહિલ પાકિસ્તાની જાસૂસી સંસ્થા માટે કામ કરતો હતો. તે ભારતીય જળસીમા પર પેટ્રોલિંગ કરી રહેલા કોસ્ટ ગાર્ડ જહાજોની ગતિવિધિ જાણતો હતો અને આ પ્રવૃત્તિની માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને મોકલતો હતો. આ ઉપરાંત આરોપીના ફોનની તપાસ કરતા સામે આવ્યું કે, તે પાકિસ્તાની મહિલા સાથે વાત કરતો હતો અને કોસ્ટ ગાર્ડની માહિતી આપતો હતો.
છેલ્લા એક મહિના બે જાસૂસ ઝડપાયા
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં બે જાસૂસ ઝડપાયા છે. અગાઉ પણ પાકિસ્તાન માટે જાસૂસી કરનારા પંકજ કોટિયા નામના વ્યક્તિની પોરબંદરથી ગુજરાત ATSએ ધરપકડ કરી હતી. તે પાકિસ્તાન નેવીને કોસ્ટગાર્ડની ગુપ્ત માહિતી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પાકિસ્તાનમાં રીયા નામના અધિકારીને પહોંચાડતો હતો. આરોપીના ખાતામાં પાકિસ્તાનથી 26 હજાર રૂપિયા જમા થયા હતા. આ જાસૂસ પોરબંદરની તમાકુ ફેક્ટરીમાં કામ કરતો હતો.

