મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: નાયબ મુખ્યમંત્રી આજે વિધાનસભામાં UCC બિલ રજૂ કરશે, જાણો યુનિફોર્મ સિવિલ કોડથી શું બદલાશે

ગુજરાત સરકાર હવે ઉત્તરાખંડના માર્ગે ચાલ

Gujarat news: નાયબ મુખ્યમંત્રી આજે વિધાનસભામાં UCC બિલ રજૂ કરશે, જાણો યુનિફોર્મ સિવિલ કોડથી શું બદલાશે
આ સમાચાર સાંભળો
ગુજરાત સરકાર હવે ઉત્તરાખંડના માર્ગે ચાલીને રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટે સજ્જ થઈ ગઈ છે. તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં UCC બિલના ડ્રાફ્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મો અને જ્ઞાતિઓ માટે લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા વ્યક્તિગત વિષયોમાં સમાનતા લાવવાનો છે. બધાને એક જ લગ્નનો નિયમ લાગુ થશે. કુલ 2 ભાગ અને 7 પ્રકરણોમાં વહેંચાયેલા આ ડ્રાફ્ટમાં લગ્નની નોંધણીને ફરજિયાત બનાવવામાં આવી છે. જોકે, નોંધણી વગર લગ્ન અમાન્ય નહીં ગણાય, પરંતુ નિયત સમયમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર પક્ષકારોને દંડની જોગવાઈનો સામનો કરવો પડશે.વિધાનસભાની કાર્યવાહી અને પ્રશ્નોત્તરી કાળ ગુજરાત વિધાનસભાની આજની બેઠક અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાની છે   તાજેતરમાં જ ગુજરાત સરકારને UCC કમિટીએ ફાઈનલ રિપોર્ટ સોંપ્યો હતો. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જ આ રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો. આ કાયદો બનવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવામાં આવી છે. વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બિલ રજૂ કરશે. તો બીજી તરફ ભાજપના તમામ ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.    લિવ-ઇન રિલેશનશિપ: રજિસ્ટ્રેશન વગર રહેવું હવે ગુનો 

લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે આ કાયદો ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. હવેથી આવા સંબંધોમાં રહેતા કપલે સ્થાનિક રજિસ્ટ્રાર પાસે તેની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. મહત્ત્વની વાત એ છે કે લિવ-ઇન સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસરની માન્યતા મળશે અને તેમને પિતાની મિલકતમાં તમામ હકો પ્રાપ્ત થશે. જો કોઈ વ્યક્તિ લિવ-ઇનની માહિતી છુપાવશે અથવા ખોટી વિગતો આપશે, તો તેને જેલવાસ અથવા આકરા દંડની સજા થઈ શકે છે. સંબંધ પૂરો કરવા માટે પણ રજિસ્ટ્રારને જાણ કરવી અને સર્ટિફિકેટ મેળવવું આવશ્યક રહેશે.

મિલકત અને વારસામાં સમાનતાનો નવો યુગ

મિલકતના વારસા હક બાબતે UCC ઐતિહાસિક પરિવર્તન લાવશે. અત્યાર સુધી અલગ-અલગ ધર્મોમાં વારસાના નિયમો જુદા હતા, પરંતુ હવે ધર્મ કે જાતિના ભેદભાવ વગર પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે. વસિયતનામું (Will) બનાવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે જેથી ભવિષ્યમાં વારસદારો વચ્ચે કાયદાકીય વિવાદો ન સર્જાય. આ પગલાથી ખાસ કરીને મહિલાઓને આર્થિક સુરક્ષા અને સમાનતાનો હક મળશે, જે સામાજિક ન્યાયની દિશામાં મોટું કદમ છે.

  વિધેયકમાં લગ્ન, છૂટાછેડા અને તેમની નોંધણી માટેના નિયમો નક્કી કરવામાં આવ્યા   માન્ય લગ્ન માટેની શરતો, વિધિ અને નોંધણી પ્રક્રિયા સ્પષ્ટ કરાઈ    છૂટાછેડા, લગ્ન રદ કરવા અને પરસ્પર સંમતિથી વિચ્છેદ અંગે જોગવાઈઓ    ભરણપોષણ, સંતાનોની કસ્ટડી અને સંપત્તિ વહેંચણી માટે નિયમો નક્કી કરાયા   કોર્ટ પ્રક્રિયા, અરજી અને અપીલ સંબંધિત નિયમો પણ સમાવાયા    વારસાગત હકો (ઉત્તરાધિકાર) માટે સામાન્ય અને વિશેષ નિયમો નક્કી કરાયા    વસીયત (Will) બનાવવી, બદલવી અને તેની કાનૂની માન્યતા અંગે વિસ્તૃત જોગવાઈઓ    વારસદારની લાયકાત, અયોગ્યતા અને મિલકત વહેંચણીની રીત સમજાવવામાં આવી    પ્રોબેટ, એડમિનિસ્ટ્રેશન અને મિલકત સંચાલન માટેની કોર્ટ પ્રક્રિયા દર્શાવવામાં આવી   વારસો સર્ટિફિકેટ, કોર્ટની સત્તાઓ અને અમલ માટેની પૂરક જોગવાઈઓ પણ સમાવેશ

આદિવાસી સમુદાયની પરંપરાઓનું રક્ષણ અને અમલીકરણ

UCC લાગુ કરતી વખતે રાજ્ય સરકારે સામાજિક વિવિધતાનું પણ ધ્યાન રાખ્યું છે. અનુસૂચિત જનજાતિ (ST) અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને આ કાયદાની અમુક જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી તેમની પરંપરાગત પ્રથાઓ અને સંસ્કૃતિ અકબંધ રહે. જો વિધાનસભામાં આ બિલ પસાર થઈ જશે, તો ઉત્તરાખંડ પછી ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં સમાન નાગરિક સંહિતા લાગુ હોય. આગામી 25 માર્ચના રોજ વિધાનસભામાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે, જે ગુજરાતના કાયદાકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખશે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ યુસીસીનો મુદ્દો માસ્ટર સ્ટ્રોક ગણાઈ રહ્યો છે.

યુનિફોર્મ સિવિલ કોડથી મુખ્યત્વે શું બદલાશે?

• હાલ લગ્ન-છૂટાછેડામાં ધર્મ મુજબ નિયમો છે. યુસીસી લાગુ થયા બાદ બધાને એક નિયમ લાગુ પડશે.

• પુત્ર અને પુત્રીને વારસામાં સમાન હક મળશે.

• લિવ ઇન સંબંધોને પણ કાનૂની રીતે નોંધાવવા પડશે.

 શું છે યુનિફોર્મ સિવિલ કોડ?

યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. યુનિફોર્મ સિવિલ કોડ અનુસાર બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી  નહીં. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં. 

 જસ્ટિસ રંજના દેસાઈ સમિતિનો અહેવાલ

ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરીને પોતાનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે, જેના આધારે આ વિધેયક તૈયાર કરાયું છે

 

આ સમાચાર શેર કરો