Suratના પ્રવાસીઓને Saputaraમાં નડ્યો અકસ્માત, ટેબલ પોઈન્ટ ચડતી વખતે કાર 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

હાલ ચોમાસાની સિઝનમાં ગુજરાતના એકમાત્ર હવાખાવાના સ્થળ સાપુતારામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. ત્યારે સુરતથી રોજે રોજ લોકો સાપુતારામાં કુદરતી નજારો માણવા જતાં હોય છે. ત્યારે સુરતથી ગયેલી કારનો અકસ્માત સર્જાયો હતો. કાર રેલિંગ તોડીને 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જો કે, રેસ્ક્યુ બાદ તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હોવાનું સામે આવ્યું છે.
ઢાળ ચડવાની જગ્યાએ કાર રિવર્સ ચાલી
રાજેશભાઇ જયંતીભાઇ ખીલોટીયા તેમના પરિવાર સાથે સુરત રહે છે. જે પોતાની અર્ટિંગા GJ-05-JE-7834 લઈને ફરવા માટે સાપુતારા આવ્યા હતા. તેઓ ટેબલ પોઇન્ટ ખાતે ફરવા જઈ રહ્યા હતા. દરમિયાન તેમની કાર પર અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. કાર આગળ વધી રહી ન હતી અને ચડતા ઢાળ પરથી રિવર્સ થઈને સરકવા લાગી હતી. કાર ખસકતી ખસકતી સીધી જ રસ્તાની સાઇડમાં બનાવેલી રેલિંગ તોડી આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. ખીણમાં કાર ખાબકવાની સમગ્ર ઘટનામાં કારને ભારે નુકસાન થયું હતું. જોકે, ચત્મકારિક રીતે કારમાં સવાર પટેલ પરિવારનો જીવ બચી ગયો હતો.
તમામનો થયો બચાવ
100 ફૂટ ઊંડી ખીણમાં ટેબલ પોઈન્ટ પાસે કાર ખાબક્યાની ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. પી.એસ.આઈ. પી.ડી. ગોંડલીયા તથા તેમની ટીમે ક્રેઇનની મદદથી ખીણમાં ખાબકેલી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. રાત્રિના સમય હોવાને કારણે પોલીસ દ્વારા આસ્કા લાઇટ લગાવી કામગીરી સરળ બનાવી હતી.

