AHMEDABAD : ખાડિયામાં 49.40 લાખની લૂંટના કેસમાં એક મહિના બાદ પણ શહેર પોલીસની તપાસ એજન્સીઓ દિશાવિહિન
Ahmedabad News : જુલાઈ મહિનામાં ખાડિયા પોલીસ સ્ટેશનની હદમાં થયેલી રૂપિયા 49.40 લાખની લ

Ahmedabad News : જુલાઈ મહિનામાં ખાડિયા પોલીસ સ્ટેશનની હદમાં થયેલી રૂપિયા 49.40 લાખની લૂંટ કેસમાં આરોપીઓને પકડવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જાબાંજ તેમજ ટેકનીકલી એક્સપર્ટ અધિકારીઓ પણ માંથું ખંજવાળી રહ્યા છે. કારણકે ખડિયા લૂંટ કેસના આરોપીનો પીછો છેક પાલનપુર સુધી કરવામાં આવ્યો, તેમ છતાં ક્રાઈમ બ્રાંચના કર્મચારીઓને વિલા મોઢે પાછા આવવાનો વારો આવ્યો છે.
એકલા હાથે લાખો રૂપિયાની લૂંટને અંજામ આપનાર આરોપી શહેર પોલીસને ગોથે ચઢાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે. ખાડિયાથી લઈને પાલનપુર સુધીના હજારો સીસીટીવી ફૂટેજ ટ્રેક કરવામાં આવ્યાં, પરંતુ આરોપી પોલીસને માત આપીને ક્યાંક શાંતિથી પોતાનું જીવન વિતાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
દુકાનદારને માર મારીને રૂપિયા 49.40 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની લૂંટ
16 જુલાઈ 2024ના બપોરે ટ્રાફિકથી ભરચક એવા ખાડિયા વિસ્તારમાં આવેલી સોના ચાંદીની દુકાનમાં એક શખ્સ આવી ચઢ્યો હતો. દુકાનદારને માર મારીને રૂપિયા 49.40 લાખની કિમંતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો હતો. એક મહિનો વીતી ચુક્યો હોવા છતાં પોલીસ હજુ આરોપીનું પગેરું મેળવવા અસમર્થ નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે.
આરોપી અમદાવાદથી પાલનપુર પહોંચ્યો
લૂંટના બનાવને અંજામ આપનાર આરોપી ખાડિયાથી રાયપુર ચકલા થઈને પાંચ કુવા સુધી પહોંચ્યો હતો ત્યાંથી અલગ અલગ રીક્ષામાં બેસીને સાબરમતી જેલના ભજીયા હાઉસ સુધી જતો હોય તે પ્રકારના CCTV ફૂટેજ પોલીસને મળ્યા છે. ત્યારબાદ ટેક્સીમાં બેસીને મહેસાણા થઈને પાલનપુર જતો હોય ત્યાં સુધીના CCTV ફૂટેજ પણ મળી આવી છે. બાદમાં આરોપી હવામાં ગાયબ થઈ જતો હોય તેમ તેની કોઈપણ પ્રકારની ભાળ પોલીસને મળી રહી નથી.
એક મહિનો થવા છતાં ક્રાઈમ બ્રાંચના સિનીયર અધિકારીઓના પેટનું પાણી હલતુ નથી
છેલ્લા એક મહિનામાં જેટલી પણ વખત શહેર પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ તેમાં ખાડિયાની લૂંટ અંગેની ચર્ચા જયારે પણ નીકળી છે ત્યારે પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સિનીયર અધિકારીઓ સામે લાલ આંખ કરીને જોયું પણ છે. પરંતુ જાબાજ ક્રાઈમ બ્રાંચના સિનીયર અધિકારીઓના પેટનું પાણી હલતુ નથી તેમ લાગી રહ્યું છે.
અમદાવાદ જેવા વિકસિત શહેરમાં વેપારીની દુકાનમાં લૂંટરૂ પ્રવેશે છે અને દુકાનદારના પગમાં એક રાઉન્ડ ફાયરીંગ કરીને રૂ.49.40 લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને બેખોફ થઈને ફરાર થઈ જાય છે. ત્યાં સુધી શહેરની એજન્સીઓ તેમની આળસ ખંખેરતી નથી તે વાત ખુબ જ શરમ જનક ગણી શકાય કારણકે એક જમાનામાં આંતકીઓની કમર તોડનારી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ હવે એક લૂંટ પણ ડિટેકટ કરી શકતા નથી તેવો ગણગણાટ પોલીસ બેડામાં શરુ થઈ ગયો છે.
ગુનેગારોમાં ઘટતી જઈ રહી છે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ધાક
એક જમાનમાં સ્થાનિક પોલીસ કોઈ રીઢા આરોપીની ધરપકડ કરે અને આરોપી ગુનાની કબૂલાત કરે નહી ત્યારે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સુધી લઈ જવામાં આવતો હતો. મોટાભાગના રીઢા ગુનેગાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચનુ નામ સાંભળીને જ ગુનાની કબૂલાત કરી લેતા હતા. પરંતુ હાલના સમયમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ધાક ગુનેગારોમાં ઘટતી જતી હોય તેવી ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. ત્યારે ખાડિયા લૂંટને એક મહિના કરતા વધુ સમય વીતી ગયો છે ત્યારે શહેર પોલીસ તથા એજન્સીઓ દિશા વિહિન થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.








