સુરતમાં 135 જગ્યાએ પાણી ભરાયા, 7 રોડ બેસી જવાની ફરિયાદથી પ્રી-મોન્સૂન કામગીરીના ઉડ્યા લીરેલીરા
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં છેલ્લા બે

દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા મધ્યસ્થ ફ્લડ કંટ્રોલરૂમની શરૂઆત કરી હતી. કંટ્રોલરૂમમાં અત્યાર સુધીમાં પાણી ભરાવાની કુલ 135 ફરિયાદ તેમજ રોડ બેસી જવાની કુલ 7 ફરિયાદ મળી હતી.
યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી
સુરત શહેરમાં ધોધમાર વરસાદ સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘૂંટણ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ હતી. લોકોના ઘર સુધી પાણી ભરાતા અનેક ફરિયાદો મળી રહી હતી. જેથી સુરત મહાનગરપાલિકાનું મધ્યસ્થ ફ્લડ કંટ્રોલરૂમ સતત વ્યસ્ત રહ્યો હતો. પાલિકાને 135 જેટલી ફરિયાદ મળી આવી હતી. જેમાંથી 130 કિસ્સામાં યુદ્ધના ધોરણે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ તમામ ફરિયાદ પાણી ભરાવાની હતી. જેથી પાણીનો નિકાલ કરવા માટે તાત્કાલિક કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા.
સૌથી વધુ ફરિયાદ વરાછા ઝોનમાં
આ ઉપરાંત રોડ બેસવા તેમજ ઝાડ પડવા સહિત તમામ ફરિયાદોની વાત કરવામાં આવે તો 180 જેટલી ફરિયાદ ફ્લટ કંટ્રોલ રૂમમાં આવી હતી. સૌથી વધુ ફરિયાદ વરાછા એ ઝોનમાં આવી હતી. કુલ 27 ફરિયાદ આવતા ત્યાં તાત્કાલિક કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાંદેર, ઉધના, અઠવા લિંબાયત ઝોનમાં પણ ફરિયાદોની ભરમાર હતી. આ ઉપરાંત ઝાડ પડવાની કુલ 32 ફરિયાદ મળી આવી હતી. ઉધના, વરાછા, કતારગામમાં રોડની ટ્રેંચ બેસી જવાની ફરિયાદ પણ કંટ્રોલ રૂમમાં નોંધાઈ હતી.








