Rajkot News: 4 વર્ષની બાળાને ગુપ્તાંગમાં ઈજા પહોંચતા શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ, શાળાએ CCTV કર્યા જાહેર
Rajkot News: રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતી અને કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર

Rajkot News: રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતી અને કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર વર્ષની બાળાના ગુપ્તાંગમાં પેન કે અન્ય કોઈ વસ્તુ નાખી, મારઝૂડ કરવાની ઘટનામાં મહિલા શિક્ષિકા સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રદ્યુમનનગર પોલીસે આ અંગે બાળાના માતાની ફરિયાદ પરથી શિક્ષિકા સામે પોક્સો, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
શિક્ષિકા સામે પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નર્સરીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની બાળા સાતેક દિવસ પહેલા સ્કૂલમાં હતી, ત્યારે શિક્ષિકાએ તેના ગુપ્તાંગના ભાગે બોલપેન કે અન્ય કોઇ વસ્તુ નાખી, ઈજા કરી, મારઝૂડ કરી હતી. જો કે, બાળા દિવ્યાંગ હોવાથી તેણે ઈશારા વડે પરિવારજનોને વાત કરતાં તેઓ ચોંકી ઉઠયા હતાં. બાદમાં આ મામલે આક્ષેપો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતાં. જ્યાં પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ શિક્ષિકા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે ઇજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષિકાએ પરિવારના આક્ષેપોને ખોટા ગણાવ્યા
ઉલ્લેખનીય છે કે, સ્કૂલના જવાબદારો દ્વારા આવી કોઈ ઘટના ન હોવાનું મીડિયા સમક્ષ જણાવાયું હતું. જ્યારે શિક્ષકાએ પરિવારના આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. શિક્ષિકાએ કહ્યું હતું કે મેં આ દીકરીને આખુ વર્ષ ભણાવી છે તે એકપણ શબ્દ બોલતી નથી. વાલીને તમામ સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા પરંતુ તેઓ સાબિત કરી શકયા નથી. દીકરી સ્કૂલ સિવાય અન્ય જગ્યાએ પણ જતી હોય તો તે અંગે પોલીસે તપાસ કરવી જોઇએ. પરિવાર દ્વારા લગાવેલા આક્ષેપોના લીધે મારો ઈગો હર્ટ થયો છે, આવું ન થવું જોઈએ.
શાળાએ તમામ CCTV વાલીને બતાવ્યા હતા તેમાં કશું શંકાસ્પદ જણાયું નહિ
સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અશોક પાંભરનું નિવેદન સામે આવ્યું છે, 14 તારીખે બાળકીના વાલી શાળામાં મળવા આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, બાળકી બીમાર હોવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં રિપોર્ટ કરાવતા ઉનાળામાં પાણી ઓછું પીવાથી બાળકીને ઈન્ફેકશન થયું હોવાનું જાણવા મળ્યું હતું. તેમ છતાં વાલીની માંગણી મુજબ 11 તારીખથી બાળકી સ્કૂલે આવી અને બહાર નીકળી ત્યાં સુધીના સીસીટીવી અમારી પાસે ઉપલબ્ધ છે તે તમામ વાલીને પણ બતાવવામાં આવ્યા હતા જેમાં કોઈ પણ પ્રવૃત્તિ શંકાસ્પદ નહોતી જોવા મળી. અમારી શિક્ષિકા નિર્દોષ છે, જો માતા પિતા સાચા હશે તો મેનેજમેન્ટ તેમની સાથે પણ રહેશે.
જણાવી દઈએ કે, અગાઉ પણ કર્ણાવતી સ્કૂલ પર એક શિક્ષક દ્વારા વિધાર્થીનીને ‘I LOVE U’ કહેવાનો આક્ષેપ થયો હતો. જો કે, ત્યારે પણ સ્કૂલ દ્વારા CCTV જાહેર કરાયા હતા.







