અમદાવાદ શહેર ઝોન-4માં 31stને લઇને કોમ્બિંગ હાથ ધરાયું, ડીસીપી કાનન દેસાઇ પણ જોડાયા
અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી પહેલા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા વિ

અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી પહેલા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં ઝોન-4માં પણ પોલીસ દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન 724 વાહનોની તપાસ કરવામાં આવી હતી અને 18 વાહન ચાલકોને દંડના મેમો આપવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેર ઝોન-4માં કોમ્બિંગની કામગીરી
અમદાવાદ શહેરમાં ઝોન-4માં ડીસીપી ડૉ.કાનન દેસાઈ ના તાબામાં આવતા સાત પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આગામી 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખતા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 724 વાહનોની તપાસ કરવામાં આવી હતી અને 18 વાહન ચાલકોને દંડ ફટકારી 17700 રૂપિયાની દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ સાથે જ 18 વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા.
મોટર વ્હિકલ એક્ટ મુજબ ગુના દાખલ કરાયા
મોટર વ્હિકલ એક્ટ મુજબ 5 ગુના દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે 16 વાહનોમાં લાગેલી બ્લેક ફિલ્મ ઉતારવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ સિવાય જીપી એક્ટ મુજબ 8 કેસ, પ્રોહિબિશનના 22 કેસ, પેરોલ જાપ્તા તથા વોન્ટેડ અને જામીન મુક્ત 18 લોકોને ચેક કરવામાં આવ્યા હતા. MCR મુજબ 115 શંકાસ્પદ લોકોની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. આ સિવાય મિલકત મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત 52 આરોપીઓને ચેક કરવામાં આવ્યા હતા.પથિક સોફ્ટવેર મારફતે શહેરમાં પ્રવેશતા મુસાફર અને પ્રવાસી 5 લોકોને ચેક કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં ઝોન-4માં રાત્રે 8 વાગ્યાથી લઇને મોડી રાત સુધી પોલીસ દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.








