VIDEO: મોદી સરકાર 3.0ના બજેટને ગુજરાતના CMએ આવકાર્યું, જાણો શું કહ્યું..
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકાર 3.0નું બજેટ રજૂ કર્યું. બજેટમાં મધ્યમવર્ગને નવ

નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકાર 3.0નું બજેટ રજૂ કર્યું. બજેટમાં મધ્યમવર્ગને નવા ટેક્સ રેજિમ હેઠળ વિવિધ રાહતો આપી છે. ત્યારે હવે આ બજેટને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું રજૂ કરાયેલું આ બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે. એટલું જ નહિ, આ બજેટ સતત ત્રીજીવાર વડાપ્રધાનના નેતૃત્વમાં જનતા જનાર્દને મૂકેલા વિશ્વાસનું પ્રતિબિંબ રજૂ કરતું બજેટ છે.
તેમજ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનની ‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સર્વાંગી વિકાસ આધારિત વિકાસની જે સંકલ્પના હતી તેને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા આ બજેટમાં ઝળકે છે, સાથે સાથે રોજગાર, કૌશલ્ય, વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી સિક્યુરિટી, પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે.
દેશની આઝાદીની શતાબ્દીએ ૨૦૪૭ સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. યુવા શક્તિના કૌશલ્ય નિખાર માટે ૨ લાખ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે આગામી વર્ષોમાં ૪.૧ કરોડ યુવાઓ માટે પાંચ નવી યોજનાઓ શરૂ થવાની છે. આ યોજનાઓથી દેશની યુવા શક્તિને રોજગાર, સ્વરોજગાર, ઉદ્યમીતા અને ઇનોવેશન ક્ષેત્રમાં નવા સોપાનો સર કરવાની નવી દિશા મળશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં ૧ કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આનાથી મોટી મદદ મળશે તેમજ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાનો વડાપ્રધાનનો સંકલ્પ સાકાર થશે. એટલું જ નહિ, સર્ટિફિકેશન અને બ્રાન્ડ સપોર્ટ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મદદ કરવાનો વડાપ્રધાનનો ખેડૂત કલ્યાણ લક્ષી અભિગમ પણ આ બજેટમાં પ્રતિબંબિત થયો છે.
ગુજરાતમાં યુવાઓ અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે રોજગારીની તકો વ્યાપક બનશે
તેમણે રોજગાર અને તાલીમ માટે ઇ.પી.એફ.ઓ. સાથે એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઈન્સેન્ટિવની ૩ યોજનાઓ શરૂ કરવાની વાતને આવકારતા કહ્યું કે, જોબ ક્રિએશન ઈન મેન્યુફેક્ચરિંગ સેક્ટર સ્કીમ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવા રોજગારને પ્રોત્સાહન અપાશે. એમ્પ્લોયી અને એમ્પ્લોયર બન્નેને લાભ મળશે. તેમજ ગુજરાતમાં યુવાઓ અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે રોજગારીની તકો વ્યાપક બનશે.
મુદ્રા લોન હાલના ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ કરવાની જોગવાઈનો પણ ઉલ્લેખ કર્યો
મુખ્યમંત્રીએ મુદ્રા લોન હાલના ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ કરવાની જોગવાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્ર સરકાર, ૫ વર્ષોમાં ૧ કરોડ યુવાઓને ટોપની ૧૦૦ કંપનીઓમાં ઇન્ટર્નશીપની તકો પૂરી પાડશે. ૫ હજાર રૂપિયા પ્રતિ માસ એલાઉન્સ પણ મળશે. સાથે ૬ હજાર રૂપિયાની ૧ વખતની સહાય પણ અપાશે તેમજ કંપનીઓ તાલીમ ખર્ચ ઉપાડશે અને ૧૦ ટકા ઇન્ટર્નશીપ ખર્ચ સી.એસ.આર. ફંડમાંથી ભોગવશે તે બાબતને તેમણે આવકારી હતી.
બિનપરંપરાગત ઊર્જામાં રાજ્યના મિશનને વધુ વેગવાન બનાવવામાં પી.એમ. સૂર્યઘર મુફ્ત બિજલી યોજના – રૂફ ટોપ સોલાર પ્લાંટ માટે શરૂ કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ યોજનામાં ૧ કરોડ આવાસ ૩૦૦ યુનિટ સુધી મફત વિજળી મેળવી શકે તેવું લક્ષ્ય છે. આ યોજનાને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે અને ૧.૨૮ કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ૧૪ લાખ અરજીઓ આવી છે. ગુજરાત આ યોજનાના અમલમાં પણ અગ્રેસર છે અને આ વર્ષના બજેટમાં અનર્જી સિક્યુરિટી માટેના પ્રાવધાનથી ગુજરાતની અગ્રેસરતા વધુ ગતિમય બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
બજેટમાં પગારદાર કર્મચારીઓને ડિડક્શનમાં આપેલી રાહતથી મોટો આર્થિક લાભ થશે
નાણામંત્રીએ આ વર્ષના બજેટમાં પગારદાર કર્મચારીઓ અને પેન્શનરોને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં આપેલી રાહતથી મધ્યમ વર્ગને મોટો આર્થિક લાભ થશે તેમ તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય નાણમંત્રી દ્વારા એન્જલ ટેક્સ દૂર કરવાની જાહેરાતને ગુજરાતના નવા ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી દિશા મળશે એવી પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાથી ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વધુ વેગ મળશે તેમજ રૉ-ડાયમંડ માટે આ બજેટમાં જાહેર કરેલી જોગવાઈઓથી ડાયમંડ કટિંગ અને પોલિશીંગ ઇન્ડસ્ટ્રીને પણ પ્રોત્સાહન મળશે તેમ તેમણે જણાવ્યું છે.
વડાપ્રધાન મોદીએ 2047માં દેશ આઝાદીની શતાબ્દી ઉજવે ત્યા સુધીમાં ભારતને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ કર્યો છે, તેને આ બજેટ સંપૂર્ણ રીતે પાર પાડશે જ એવા વિશ્વાસ સાથે મુખ્યમંત્રીએ આવું સર્વસમાવેશી, સર્વપોષક અને લોકરંજક બજેટ આપવા માટે વડાપ્રધાન અને કેન્દ્રીય નાણામંત્રીનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો હતો.








