મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ઠેર ઠેર નાગરિકો વિરોધના મૂડમાં, 'સુવિધા નહિં તો વોટ નહિં'

એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે તેમજ તમામ પાર

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ઠેર ઠેર નાગરિકો વિરોધના મૂડમાં, 'સુવિધા નહિં તો વોટ નહિં'

એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે તેમજ તમામ પાર્ટીઓ ચુંટણી માટે તૈયારી સાથે મેદાનમાં ઉતરી ગઈ છે. એવામાં ગુજરાતભરમાંથી સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક લોકો પીવાના પાણી, ગટર સુવિધા તેમજ રોડ રસ્તા જેવી સામાન્ય સુવિધાઓ માટે હજુ પણ વલખાં મારી રહ્યા છે.

જુનાગઢમાં મતદાનના બહિષકાર સાથે વિરોધ 

જુનાગઢ મનપાની ચૂંટણીમાં મતદાન બહિષ્કારના બોર્ડ લાગેલા જોવા મળ્યા હતા. જેમાં વોર્ડ નંબર પાંચની દ્વારકા પૂરી સોસાયટીમાં લોકોએ વિરોધ કર્યો હતો. રોડ રસ્તા, ગટર, પાણી સહિતના મુદ્દે અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ નથી મળતું. અવારનવાર મનપામાં પ્રાથમિક સુવિધા મુદ્દે રજૂઆત કરી છે. આખરે સ્થાનિકોએ એક મત કરી જવાબદારોની આંખ ઉઘાડવા નિર્ણય લીધો જેમાં મતદાનનો બહિષ્કાર અથવા નોટાનો ઉપયોગ કરવાની તૈયારી બતાવી હતી.

આ પણ વાંચો : મહાકુંભમાં ભાગદોડ વખતે ગુમ થયેલા બનાસકાંઠાના વડીલનો 24 કલાકે પરિવાર સાથે મેળાપ

સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈ સ્થાનિક મહિલાઓએ વિરોધ

સુરેન્દ્રનગરના વઢવાણમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈ સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. અનેક વાર રોડરસ્તા ચક્કાજામ કર્યા તે છતાં નિદ્રાધીન તંત્ર પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે. વઢવાણ ધોળીપોળ શિયાણીપોળ સહિતના વિસ્તારોમાં સફાઈ અને રોડ રસ્તાઓને લઈને પ્રશ્નો ઉઠ્યા છે. છેલ્લા 30 વર્ષથી રોડરસ્તાઓ ન બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગંદકીના કારણે ઘેરઘેર માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકા સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

પાટણમાં સ્થાનિકોની તંત્ર પ્રત્યે નારાજગી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઇ છે અને પાટણ જિલ્લામાં ચાણસ્મા, હારીજ, રાધનપુર પાલિકાની 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે ત્યારે મોટા ભાગે આક્ષેપો પ્રતિઆક્ષેપો સાથે નગરજનોમાં નારાજગી દેખાઈ આવી હતી. છેલ્લા દસ વર્ષથી રાધનપુર નગરપાલિકા કોંગ્રેસના હાથમાં છે. અને રાજ્ય સરકાર કિન્નાખોરી રાખી રહી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. તો ભાજપના ધારાસભ્ય લવિંગજી માટે આ ચૂંટણી લોકપ્રિયતાની પારાશીશી સમાન છે ભાજપ દ્વારા કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કરાયો હતો.

આ સમાચાર શેર કરો