મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રત્નકલાકારથી લઈને સામાન્ય પરિવારના સંતાનો હીરાની જેમ ચમક્યા, A-1 ગ્રેડ મેળવીને પરિવારનું નામ કર્યું રોશન

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા આજે ધોરણ 10 ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં

સુરતમાં રત્નકલાકારથી લઈને સામાન્ય પરિવારના સંતાનો હીરાની જેમ ચમક્યા, A-1 ગ્રેડ મેળવીને પરિવારનું નામ કર્યું રોશન

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા આજે ધોરણ 10 ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. ત્યારે ઉડીને આંખે વળગે તેવી રત્ન કલાકારના સંતાનની છે. સામાન્ય પરિસ્થિતિ વચ્ચે પણ સખત મહેનત કરીને વિદ્યાર્થીએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ત્યારે આગળના સમયમાં સાયન્સના વિષય સાથે અભ્યાસ કરીને આરટી એન્જિનિયર બનવાનું સ્વપ્ન હોવાનું કહ્યું હતું.

સોશિયલ મીડિયાનો ઉપયોગ વિદ્યાર્થીઓ બંધ કર્યો

સુરતના છેવાડે આવેલા કઠોદરા વિસ્તારમાં આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા રત્ન કલાકાર ચિરાગભાઈના પુત્ર વેકરીયા પૂર્વએ આકરી મહેનત કરીને ઝળહળથી સફળતા પ્રાપ્ત કરી છે. પૂર્વએ કહ્યું કે મારે 94.83 ટકા અને99.25 પીઆર પ્રાપ્ત થયા છે. સફળતા માટે તેણે સોશિયલ મીડિયાનો ઉપયોગ સાવ બંધ કરી દીધો હતો. તથા રોજની 10 કલાક જેટલી મહેનત કરતો હતો. માતા-પિતા માત્ર 10 ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા છે. ત્યારે માર્ગદર્શન માટે હંમેશા શિક્ષકોનો સહારો લેવો પડતો હતો. શિક્ષકો રાત દિવસ ગમે ત્યારે ડાઉટ સોલ્વ કરાવવા માટે મદદરૂપ બનતા હતા. વિદ્યાર્થીના પિતા ચિરાગભાઈએ કહ્યું કે, હું માત્ર 10 ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યો. અમારા બાળકોની ઈચ્છા જે પ્રમાણેની હશે તેવો અભ્યાસ કરાવીશું અને તેના ખાતર વધારે કામ કરવું પડે તો પણ કરીશું. શાળાના સંચાલકોએ કહ્યું કે, અમારી શાળામાં 28 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે. જ્યારે 42 વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. સાથે જ શાળાનું સો ટકા પરિણામ આવ્યું છે. 

વર્ષ દરમિયાન મોબાઇલથી રહી દૂર

આશાદીપ વિદ્યાલયમાંથી કુલ 349 જેટલા વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત થયા છે, જ્યારે 528 વિદ્યાર્થીઓ A-2 ગ્રેડમાં આપ્યા છે. ત્યારે આ શાળામાં ભણતી અણઘણ હીર ઘનશ્યામભાઈને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. ઘનશ્યામભાઈ રત્નકલાકાર કરી તે કામ કરે છે. પત્ની શોભનાબેન ધરકામ કરે છે. દીકરી હીરની મહેનતને કારણે આ પરિણામ પ્રાપ્ત થતા પરિવાર સહિત શાળા પરિવારે હર્ષની લાગણી વ્યક્ત કરી છે. હીરે કહ્યું કે, મેં વર્ષ દરમિયાન ક્યારેય મોબાઈલનો ઉપયોગ કર્યો નહોતો જેના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે આગળનો અભ્યાસ બી ગ્રુપ સાથે પૂર્ણ કરીને ડોક્ટર બનવાની ઈચ્છા છે.

સંસ્કૃતમાં 100માંથી મેળવ્યા 100 માર્ક

તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી ક્રિષા વિનોદભાઈ રામોલિયાને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે. તપોવન વિદ્યાલયનું 98.50 ટકા પરિણામ આવ્યું છે. જેમાંથી 58 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે. જ્યારે 152 જેટલા વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે પ્રથમ નંબરે આવેલી ક્રિષા વિનોદભાઈના પપ્પા બાંધકામ સાથે સંકળાયેલા છે. માતા નિશાબેન ઘર કામ કરી રહ્યા છે. ત્યારે 97.50 ટકા અને 99.96 પીઆર સાથે પ્રથમ ક્રમ મેળવનારી ક્રિષા સંસ્કૃત વિષયમાં 100માંથી 100 માર્ક પ્રાપ્ત થયા છે. ક્રિષાને આગામી સમયમાં એ ગ્રુપ સાથે એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે. શાળાના ઉંચા પરિણામને લઈને આચાર્ય મનસુખભાઈ ગોટીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓને રોજેરોજની તૈયારીઓ કરાવવાની સાથે ઘરે જે મહેનત કરે અને જે સવાલો રહી જાય તે બીજા દિવસે ક્લિયર કરાવવામાં આવતા હોય છે. તેના કારણે શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં સફળતા મળી છે.

ભગવતીના તારલા ચમક્યાં

શ્યામધામ ચોક ખાતે આવેલી શ્રી ભગવતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી. શાળાના 8 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી. જ્યારે 26 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ પ્રાપ્ત થયો હતો. જેથી શાળામાં ડીજેના તાલે વિદ્યાર્થીઓએ ડાન્સ કરીને ઉજવણી કરી હતી. એમ્બ્રોડરીનું કામ કરતાં ઝડફિયા રાજુભાઈના દીકરા ક્રિશએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. ક્રિશને 99.28 પીઆર સાથે 95.80 ટકા પ્રાપ્ત થયા છએ. ક્રિશએ કહ્યું કે, આગામી સમયમાં એગ્રિકલ્ચર ક્ષેત્રે અભ્યાસ કરવા ઈચ્છુ છું. શાળાના પ્રશાંત સરે કહ્યું કે, વિદ્યાર્થીઓ સાથે હળવા વાતાવરણમાં પરિવારની જેમ અભ્યાસ કરાવવામાં આવે છે. 

કેન્સરગ્રસ્ત પિતાના દીકરાએ કહ્યું ડોક્ટર બનીશ

નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યાભવનમાં 197 વિદ્યાર્થીઓમાંથી 91 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી હતી. જ્યારે 62 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડને મળ્યો હતો. આમ શાળામાં એ-2 કરતાં એ-1 મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. જેમાંથી કેન્સરગ્રસ્ત પિતા રમેશભાઈ સાવલિયાનો દીકરો ધર્મએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ધર્મએ કહ્યું કે, પપ્પાને મોંનું કેન્સર છે. કેન્સરને ખૂબ નજીકથી જોયું છે. જેથી આગામી સમયમાં કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનીને પપ્પા કેન્સરગ્રસ્તની સારવાર કરીશ. શાળાના સંચાલકોએ કહ્યું કે, વિદ્યાર્થીઓ પર પહેલા દિવસથી ધ્યાન અપાતું હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છે.

ચાર વિષયમાં 100માંથી 100 ગુણ

નાના વરાછા ખાતે આવેલી સરદાર પટેલ વિદ્યાભવનમાં કુલ 29 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ પ્રાપ્ત થયા છે. જ્યારે 45 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. તમામ વિદ્યાર્થીઓમાં ફોરમ ભાવેશભાઈ ડાવરા નામની વિદ્યાર્થિનીએ સમાજ, ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃત જેવા વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યાં છે. ફોરમને કુલ 99.98 પીઆર સાથે 98 ટકા પ્રાપ્ત થયા છે. ત્યારે આ સફળતાનો શ્રેય તેણે પરિવાર અને માતા પિતાને આપ્યો હતો. સાથે જ કહ્યું કે, હું આ જ રીતની મહેનત કરતાં કરતાં આગામી સમયમાં એન્જિનિયર બનીશ. શાળાના સંચાલકોએ કહ્યું કે, પરિવારની ભાવનાથી ચાલતી આ શાળામા વિદ્યાર્થીઓ તેના ધાર્યા પરિણામ લાવી શકે છે. વિદ્યાર્થીઓના હિતની તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મૌની સ્કૂલના વિદ્યાર્થીઓએ માર્યુ મેદાન

ઉતરાણ વિસ્તારમાં આવેલી મૌની ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષામાં મેદાન માર્યું છે કુલ 97 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. જ્યારે 228 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ પ્રાપ્ત થયા છે. સમગ્ર શાળામાં રામાણી સાન્વી રજનીભાઈએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. સાન્વીને 96.17 ટકા અને 99.98 પર્સેન્ટાઈલ પ્રાપ્ત થયા છે. સાન્વીએ કહ્યું કે, આકરી મહેનતના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે. તેણીએ આગળ સાયન્સમાં અભ્યાસ કરીને એ ગ્રુપ સાથે એન્જિનિયર બનવાની ઈચ્છા હોવાનું કહ્યું હતું. શાળાના સંચાલકોએ કહ્યું કે, વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી પહેલા દિવસની તૈયારીઓ અને પરીક્ષા અગાઉ મોડલ પેપર સાથે લેવાતી ટેસ્ટના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે.

નાલંદાના તારલા ચમક્યાં

ધોરણ 10ના પરિણામમાં પુણા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ મેદાન માર્યુ હતું. કુલ 22 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ પ્રાપ્ત થયા છે. જ્યારે 42 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે હીરા ઘસુના દીકરા એવા શિરોયા આયુષને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે. માતા કૈલાસબેન સિલાઈ સહિતના કામમાં સંકળાયેલા છે. 96.50 ટકા અને 99.83 પીઆર મેળવનારા આયુષે કહ્યુ કે, પિતા પ્રવિણભાઈની ઈચ્છા પ્રમાણે ડોક્ટર બનીશ. 

રત્નકલાકારની દીકરી હીરાની જેમ ચમકી

માતાવાડી વિસ્તારમાં આવેલી રામકૃષ્ણ વિદ્યાલયના કુલ 41 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ પ્રાપ્ત થયા છે. જ્યારે 71 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે છોટાળા નંદની કિશોરભાઈને એ વન ગ્રેડ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. રત્નકલાકાર પિતાની દીકરી નંદનીના માતા ટેલરિંગનું કામકાજ કરે છે. નંદનીને 97.33 ટકા અને 99.94 પીઆર પ્રાપ્ત થયા છે. નંદનીએ કહ્યું કે, સવારે ચાર વાગ્યે જાગીને તૈયારી કરતી હતી.આગામી સમયમાં રોબોટિક્સ સાયન્સ સાથે એઆઈ ટેક્નોલોજીમાં અભ્યાસ કરવા ઈચ્છે છે. શાળાના આચાર્ય પ્રકાશભાઈ પટેલએ કહ્યું કે, અમે વિદ્યાર્થીઓને પરિવારના સભ્યોની જેમ રાખીએ છીએ. પ્રેમની સાથે જ્ઞાન આપીએ તેના કારણે બાળકો ડર રાખ્યા વગર તેના ડાઉટ ક્લિયર કરાવે છે. જેના કારણે આ સફળતા મળી છે.

સૂર્યોદયના વિદ્યાર્થી ચમક્યાં

યોગીચોક ખાતે આવેલા સૂર્યોદય એજ્યુકેશનના કુલ 17 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ પ્રાપ્ત થયા છે. જ્યારે 56 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ પ્રાપ્ત થયા છે. આણદાણી વ્રજ પીન્ટુભાઈ, પાનસુરિયા ડેન્સી વિનુભાઈ અને હીરપરા જાન્વી સંજયભાઈને અનુક્રમે પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત થયા છે. જેમાંથી 97 ટકા અને 99.91 પીઆર સાથે પ્રથમ ક્રમ મેળવનાર આણદાણી વ્રજ પીન્ટુભાઈએ કહ્યું કે, આ સફળતા પાછળ શિડુઅલ વર્ક જવાબદાર છે. પ્રથમ દિવસથી જ નક્કી કર્યુ હતું તે પ્રમાણેનું રિજલ્ટ પ્રાપ્ત થયું છે. આગામી સમયમાં ડોક્ટર બનવાની ઈચ્છા હોવાનું તેણે વધુમાં કહ્યું હતું.

ગોલ સેટ કરાવી મહેનત કરાવાય છે

સૂર્યોદય એજ્યુકેશનના સંચાલકોએ કહ્યું કે, અમે પધ્ધતિસરનું એજ્યુકેશન વિદ્યાર્થીઓને આપીએ છીએ. પ્રથમ ત્રણ દિવસ વિદ્યાર્થીઓ પાસે ગોલ સેટ કરાવીએ છીએ. ગોલના આધારે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવે છે. આ પ્લાનિંગના આધારે જ વિદ્યાર્થીઓને રોજે રોજની મહેનત કરાવવામાં આવે છે. જેના આધારે આજે વિદ્યાર્થીઓ સફળ રહ્યાં છે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ કેવી રીતે આગળ વધી શકે તેની પણ ટીપ્સ તેને અત્યારથી જ મળી જતી હોય છે.

પી.પી.સવાણીના વિદ્યાર્થીઓએ મેળવી સિધ્ધિ

ધોરણ 10ના પરિણામમાં પી.પી. સવાણી સ્કૂલના 284 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ પ્રાપ્ત થયા છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ મળતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ હતી. વિદ્યાર્થીઓએ કહ્યું કે શિક્ષકોના સચોટ માર્ગદર્શનના કારણે આ પરિણામ મળ્યું છે. સાથે જ પરિવારનો પૂરતો સપોર્ટ તથા સરકાર દ્વારા બદલવામાં આવેલી નીતિના કારણે પણ એ-વન ગ્રેડ મહત્તમ પ્રમાણમાં મળ્યાં છે. 

ધોબી કામ કરનારના દીકરાએ મેળવ્યો A1 ગ્રેડ 

પુણાગામમાં ક્રિષ્ના સ્કૂલ સંકુલ ખાતે ધોરણ 10 માં અભ્યાસ કરતો નિતેશ ચંદ્રશેખર ચૌધરીએ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં 94.00% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. જેમાંના માતા-પિતા ધોબી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ખુબ જ આર્થિક સંકટ વચ્ચે પરિવાર એક નાના ઘરમાં રહે છે. ઘરમાં બીજા પણ નાના ભાઈ બહેન ભણે છે. પરિવારની આર્થિક સ્થિતિ એટલી બધી નબળી છે કે શાળાની ફી પણ ભરવી અત્યંત મુશ્કેલ હતી. આ સમયે શાળા દ્વારા પણ ખુબ જ સહકાર આપવામાં આવ્યો હતો. સુવિધાઓના અભાવ વચ્ચે દીકરાએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે.

રેડિયન્ટનું 100 ટકા પરિણામ    ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ઉગત ખાતે આવેલી ધ રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલનું પરિણામ 100 ટકા આવ્યું છે. અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી A1માં 36 અને A2માં 61 વિદ્યાર્થીએ ગ્રેડ મેળવ્યો છે.  સાથે સાથે 100% પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ મેળવી છે. કુલ 178 વિદ્યાર્થી માંથી 97 વિદ્યાર્થી A1 અને A2માં સ્થાન મેળવ્યું છે. શાળાના A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને 100% સુધીની આશીર્વાદ સ્કૉલરશીપ યોજનાનોલાભ શાળાના ફાઉન્ડર રામજીભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવી છે.     .  

આ સમાચાર શેર કરો