લોકસભા ચૂંટણી 2024: ભરૂચ બેઠક પર કોંગ્રેસ- AAPનો ખેલ બગાડશે BAP, છોટુ વસાવાની પાર્ટીએ રમ્યો મોટો દાવ
લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં રાજકોટ બાદ સૌથી હૉટ સીટ બનીને ઉ

લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં રાજકોટ બાદ સૌથી હૉટ સીટ બનીને ઉભરેલી ભરૂચ બેઠક પર વધુ એક વસાવા મેદાનમાં ઉતરશે. ભારત આદિવાસી પાર્ટી (BAP)ના રાષ્ટ્રીય સંયોજક છોટુ વસાવાએ પોતાના નાના પુત્રને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. ભરૂચમાં ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)એ ચૈતર વસાવાને ઉતાર્યા છે. 2019ની ચૂંટણીમાં છોટુ વસાવા ખુદ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, આ વખતે તેમણે પોતાના નાના પુત્રને મેદાનમાં ઉતાર્યા છે. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં સામેલ થયા હતા. BAPના રાષ્ટ્રીય સંયોજક છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ કે, ‘દિલીપભાઇ વસાવા 7 મે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પર ઉમેદવાર હશે. છોટુ વસાવાએ લખ્યુ કે ભારત આદિવાસી પાર્ટીએ સર્વસમ્મતિથી તેમણે ઉમેદવાર ચૂંટ્યા છે.’
ભરૂચ બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ
ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. ભાજપે મનસુખ વસાવાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસ-AAP તરફથી ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યાં છે. હવે છોટુ વસાવાની પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યો છે. છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા ભરૂચ બેઠક પર લોકસભાની ચૂંટણી લડશે.
છોટુ વસાવાએ જણાવ્યું હતું કે દેશ અને ગુજરાતમાં જે આદિવાસીઓની સમસ્યા છે વર્ષોથી અમે જે લડત આપતા આવ્યા છે એ આપતા રહીશું. ગુજરાતમાં અન્ય બેઠકો પરથી પણ અમે ચૂંટણી લડવી હતી તેઓ નિર્ણય કમિટીની મીટિંગમાં કરવામાં આવ્યો છે. લોકસભા 2024ની ચૂંટણી લડી અમે અમારા સંવેધાનિક હક અને અધિકાર છે તે મેળવવાના પ્રયાસ કરીશું.
પાર્ટી પાસે ચાર ધારાસભ્ય
ભારત આદિવાસી પાર્ટી (BAP)એ ગુજરાતની આદિવાસી વસ્તી ધરાવતી બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં ચાર બેઠક આદિવાસી સમાજ માટે અનામત છે. 2023માં યોજાયેલી પાંચ રાજ્યની વિધાનસભામાં રાજસ્થાનમાં ત્રણ અને મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 1 બેઠક પર જીત મેળવી હતી. ભારતીય આદિવાસી પાર્ટીની સ્થાપના 10 સપ્ટેમ્બર, 2023માં કરવામાં આવી હતી. પાર્ટીના સંસ્થાપક રાજકુમાર રોત છે. તાજેતરમાં પાર્ટીએ છોટુ વસાવાને રાષ્ટ્રીય સંયોજક નિયુક્ત કર્યા હતા.
ભાજપનો ગઢ રહી છે ભરૂચ બેઠક
પાર્ટીએ ગુજરાત સિવાય રાજસ્થાન અને છત્તીસગઢની સાથે મધ્ય પ્રદેશમાં પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર આદિવાસીઓની વસ્તી વધારે છે. આ બેઠક પર ત્રણ દાયકા કરતા વધુ સમયથી ભાજપનો કબ્જો છે. પાર્ટીના નેતા મનસુખ વસાવા છ વખત જીત મેળવીને સંસદ પહોંચ્યા છે. પાર્ટીએ સાતમી વખત તેમણે મેદાનમાં ઉતાર્યા છે. AAP આ બેઠક પર કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે.








