મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ રામભરોસે: 18 કરોડનું બિલ્ડિંગ તૈયાર પણ ડૉક્ટરો ગાયબ, ગરીબ દર્દીઓ વડોદરા દોડવા મજબૂર

છોટાઉદેપુર જિલ્લાના સિવિલ હ

છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ રામભરોસે: 18 કરોડનું બિલ્ડિંગ તૈયાર પણ ડૉક્ટરો ગાયબ, ગરીબ દર્દીઓ વડોદરા દોડવા મજબૂર

છોટાઉદેપુર જિલ્લાના સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ, સર્જન, પીડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિક સહિતના અત્યંત જરૂરી સ્પેશિયલિસ્ટ ડૉક્ટરોની ભારે અછતના કારણે લોકોને હાલાકી પડી રહી છે. પ્રસૂતિનો કેસ હોય કે બાળકોની તબિયત સંબંધિત સમસ્યા, આમ અકસ્માત સહિતના ઈમરજન્સી કેસમાં હોસ્પિટલમાં ડૉક્ટરની અછતના લીધે દર્દીને પૂરતી અને યોગ્ય સારવાર મળતી નથી. અંતે દર્દીઓ ખાનગી હોસ્પિટલ જવા મજબૂર બને છે. જેમાં દર્દીઓને 100 કિલોમીટર દૂર વડોદરા દોડવું પડતું હોવાથી મુશ્કેલી પડી રહી છે. 

છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની અછત
સ્થાનિકોનું કહેવું છે કે, સિવિલ હોસ્પિટલમાં મધ્યપ્રદેશની સરહદ વિસ્તાર, છોટાઉદેપુર અને અંતરિયાળ ગામડાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. ગાયનેકોલોજિસ્ટ ન હોવાને કારણે પ્રસૂતિના કેસમાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે પીડિયાટ્રિશિયન ન હોવાને કારણે બાળકોની સારવાર થઈ શકતી નથી. પરિણામે દર્દીને અહીંથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. પછાત અને સરહદી વિસ્તારના લોકો માટે આ સફર માત્ર સમયની નહીં પણ, જીવન અને મરણની લડાઈ બની જાય છે.

ઈમરજન્સી સ્થિતિમાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર
એક દર્દીના સગાએ જણાવ્યું હતું કે, જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં જરૂરી ચાર મુખ્ય સ્પેશિયલિસ્ટ જ ગાયબ કેમ? આજના સમયમાં કોઈપણ જિલ્લા હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ, સર્જન, પીડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિક હોવા જ જોઈએ. પણ અહીં ગંભીર કેસ આવે તો હોસ્પિટલ પાસે સારવાર માટે પૂરતી વ્યવસ્થા નથી. આમ આ ખાલી પડેલા પદો પર ભરતી કેમ નથી થતી? શું છોટાઉદેપુરના લોકોનું જીવન તંત્ર માટે ઓછું મહત્ત્વ ધરાવે છે? 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના ગરીબ લોકોની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ખાનગી હોસ્પિટલનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ છે. પરંતુ મજબૂરીમાં લોકોને દેવું કરીને પણ સારવાર કરાવવી પડે છે. ખાસ તો છોટાઉદેપુરના ડુંગર વિસ્તારમાંથી માંડ-માંડ હોસ્પિટલ સુધી પહોંચતી પ્રસૂતા મહિલાઓની તો કફોડી હાલત બની છે. હોસ્પિટલમાં સ્પેશિયલિસ્ટ ડૉક્ટરની અછત મામલે ઈનચાર્જ RMOએ પણ જણાવ્યું હતું.

સ્થાનિકોનું કહેવું છે કે, એક તરફ હોસ્પિટલમાં સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો નથી પણ બીજી તરફ 18 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. બિલ્ડિંગ તો તૈયાર થઈ ગયું છે. પરંતુ આજ સુધી લોકાર્પણ થયું નથી. એટલે હોસ્પિટલમાં જરૂરી ડૉક્ટર સ્ટાફની વહેલીતકે ભરતી કરવામાં આવે.

આ સમાચાર શેર કરો