નસવાડીમાં જૂથ ગ્રામ પંચાયતનો આંતરિક વિખવાદ વકર્યો, સભ્યના પતિએ તાળું મારતાં સરપંચ-તલાટી અંદર પુરાયા

નસવાડીમાં જૂથ ગ્રામ પંચાયતનો આંતરિક વિખવાદ વકર્યો, સભ્યના પતિએ તાળું મારતાં સરપંચ-તલાટી અંદર પુરાયા
તસવીર: AI
આ સમાચાર સાંભળો

છોટા ઉદેપુર નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય પતિના વિખવાદમાં ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. અગાઉનું મનદુઃખ રાખીને સભ્ય પતિએ સરપંચ, તલાટી કમ મંત્રી સહિત અરજદારને પણ ગ્રામ પંચાયતમાં પૂરી બહારથી તાળું મારી દીધુ હતુ. આ મામલે સભ્ય પતિને પૂછતા તેણે જણાવ્યું કે, 'અગાઉ સરપંચે મારી પત્નીને પંચાયતમાં પૂરી દીધી હોવાથી આજે તાળું મારી બદલો વાળ્યો.'

નસવાડી જૂથ ગ્રામ પંચાયતના આંતરિક વિખવાદથી પ્રજા પરેશાન!

જાહેરાત

મળતી માહિતી મુજબ, નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં 4 નવેમ્બરના રોજ અવિશ્વાસની દરખાસ્ત મામલે સરપંચે મહિલા સભ્ય સહિતના લોકોને પંચાયતમાં પૂરી દીધા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આમ, અગાઉ વિવાદમાં સભ્ય પતિ ધર્મેશ ભરવાડે સરપંચ મેહુલ તડવી સહિત તલાટી કમ મંત્રીની સાથે અરજદારોને પણ ગ્રામ પંચાયત પૂરી દીધા હતા.

મારી પત્નીને અંદર પૂરી એટલે મે બદલો વાળ્યો: સભ્ય પતિ

સભ્ય પતિ ધર્મેશ ભરવાડે જણાવ્યું કે, 'પંચાયતમાં 4 નવેમ્બરે અમારા અવિશ્વાસની તારીખ હતી, એમાં અમારી ગાડી આવી હતી. તો એમાં તોડફોડ કરી, ધમાલ કરી, ગાડી સળગાવી દેવાની વાત કરી હતી. પછી મારી પત્ની, બીજા મારા એક મિત્રના પત્ની અને અન્ય એક સભ્યને પંચાયતની અંદર હતા તો આ સરપંચે જાતે તાળું માર્યું હતુ. અમે બધી જગ્યાએ ફરિયાદ આપી છતાં અમારી કોઈ ફરિયાદ લીધી નથી. આમ, મારી પત્ની અંદર હતી ત્યારે તાળું માર્યું હોવાથી મનમાં થયું કે અહીંયા તાળું મારું એટલે એનુ સમાધાન. અને 57(2) મુજબ એ સસ્પેન્ડ થાય છે પણ કોઈ કાર્યવાહી કરી નથી. આ સરકાર, આ તંત્ર બધા ફૂટેલા છે. અધિકારીઓ જિલ્લાથી માંડીને નસવાડીના પોલીસ પણ પૂરી ફૂટેલી છે. આ ભાજપ સરકાર નારી સુરક્ષાની વાતો કરે છે, તો મેં કીધું મારી વાઈફને પૂરી, તો એનું શું? એટલે મેં તાળું માર્યું છે.'

પંચાયત અંદર ફસાયેલા અરજદારે શું કહ્યું?

સમગ્ર વિવાદ વચ્ચે કામ અર્થે આવેલા અને વગર કારણે પંચાયતમાં ફસાયેલા અરજદાર યાસીન મેમણે કહ્યું કે, 'હું ઘરવેરો ભરવા પંચાયતમાં આવ્યો હતો, ત્યારે તલાટી મારું કામ કરવા માટે પંચાયતમાં અંદર આવ્યા હતા. એટલામાં કોણ તાળું મારી ગયું અમને ખબર નથી. પંચાયતનો જે ભી ઝઘડો કે માથાકૂટ હોય અમારે શું? અમને પણ અંદર પૂરી દીધા છે. પંચાયતના સભ્યને કે સરપંચને જે કોઈને તકલીફ હોય એ અમારે શું? મને અંદર પૂરી દીધો છે, હવે મને બહાર કાઢો…'

શું હતો સમગ્ર વિવાદ?

નસવાડી જૂથ ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક સમયથી વિવાદોના ઘેરામાં છે. અવિશ્વાસની દરખાસ્ત સરપંચ વિરુદ્ધ સભ્યો દ્વારા આપવામાં આવી હતી. ગત 04/11/2026ના રોજ અવિશ્વાસ પસ્તાવને લઇ મિટિંગ યોજાવાની હતી. જેમાં વોર્ડ નંબર -1 ના સભ્ય ભરવાડ રતનબહેન ધર્મેશભાઈ તથા વોર્ડ નંબર- 8ના સભ્ય મેમણ તરન્નુમબાનું અબ્દુલકાદિર તેમજ વોર્ડ નંબર-11 ના સભ્ય શેખ જાવેદઅખતર શહીદમિયાનાઓ મિટિંગના સમયે કચેરીમાં પહોંચી ગયા હતા, ત્યારે સરપંચ મેહુલ તડવી દ્વારા પોતાની ખુરશી બચાવવા ગ્રામ પંચાયત કચેરીના ગેટ ઉપર તાળું મારી દીધું હતું અને હુમલો થવાના કારણે અવિશ્વાસ પસ્તાવની મિટિંગ યોજાઈ શકી નહોતી. આમ, બે મહિલા સભ્યો તેમજ એક પુરુષ સભ્યો તથા બેઠક અધિકારી અને તલાટી કમમંત્રીને કચેરીમાં બંધક બનાવવામાં આવ્યા હતા.

પંચાયતના બહારથી તાળું મારી દેવાના કિસ્સામાં મહિલા સભ્યોના પતિ દ્વારા સરપંચ પાસે તાળાની ચાવી માંગતા તથા તાળું ખોલવા કહેવા છતાંય સરપંચે મિટિંગના સમય સુધી તાળું ખોલવામાં આવ્યું ન હતુ. અંતે તાળું કટર વડે કાપવાની ફરજ પડી હતી અને પંચાયતમાં પૂરાયેલા સભ્યો તેમજ તલાટીકમમંત્રીને કચેરીની બહાર કાઢયા હતા. આ મામલે સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારીનાઓને લેખિત અરજી કરી હતી અને સરપંચ સામે કાર્યવાહી કરીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. તેમજ સમગ્ર બાબતે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી, પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં ના લેવામાં આવતા સોમવાર(16 નવેમ્બર)ના રોજ સરપંચ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હોવાની જાણ થતાં વોર્ડ નંબર-1ના સભ્ય પતિ ભરવાડ ધર્મેશભાઈએ સરપંચને ગ્રામ પંચાયત કચેરીમાં તાળું મારીને પુરી દીધા હતા અને 2 કલાક સુધી તાળું ખોલ્યું ન હતુ. જેને લઇ મામલો ફરી ગરમાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત