છોટાઉદેપુરમાં એકસાથે 57 તલાટીની બદલી! જાણો જિલ્લા પંચાયતે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય

છોટાઉદેપુર જિલ્લા પંચાયત તંત્ર દ્વારા ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરીને વધુ ગતિશીલ, પારદર્શક અને લોકાભિમુખ બનાવવાના હેતુથી એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી (DDO) દ્વારા સત્તાવાર હુકમ બહાર પાડીને જિલ્લામાં ફરજ બજાવતા કુલ 57 તલાટી કમ મંત્રીઓની એકસાથે સામૂહિક બદલી અને નવી જગ્યાઓ પર તત્કાલ પ્રભાવથી નિમણૂંક કરવાના આદેશો કરવામાં આવ્યા છે.
ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી
લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા તલાટીઓને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ-227 હેઠળ જિલ્લા વિકાસ અધિકારીને મળેલી વિશેષ સત્તાની રૂએ બદલી કરાઈ છે. જ્યારે તમામ તલાટી કમ મંત્રીઓને રીલીવરની રાહ જોયા વિના તાત્કાલિક અસરે પોતાની વર્તમાન ફરજ પરથી મુક્ત થઈને, બદલીવાળા નવા નિયત કરાયેલા ગામ કે પંચાયત ખાતે પહોંચીને પોતાનો નવો ચાર્જ સંભાળી લેવા માટે કડક તાકીદ કરવામાં આવી છે.
તાલુકા વાઈઝ થયેલી બદલીઓ
કવાંટ તાલુકો: 13 તલાટીઓ
બોડેલી તાલુકો: 11 તલાટીઓ
નસવાડી તાલુકો: 10 તલાટીઓ
છોટા ઉદેપુર તાલુકો: 8 તલાટીઓ
કદવાલ તાલુકો: 7 તલાટીઓ
જેતપુર પાવી તાલુકો: 5 તલાટીઓ
સંખેડા તાલુકો: 3 તલાટીઓ

