યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતાના પર્વ નવરાત્રિની ઉજવણી, પારંપરિક ગરબાની સાથે લોકનૃત્યો કરાયા રજૂ
વિશ્વભરમાં ગુજરાતીઓની કીર્તિ ફેલાયેલી છે. અનેક દેશોને ગુજરાતીઓએ કર્મભૂમિ બનાવી છે. ત્યારે

વિશ્વભરમાં ગુજરાતીઓની કીર્તિ ફેલાયેલી છે. અનેક દેશોને ગુજરાતીઓએ કર્મભૂમિ બનાવી છે. ત્યારે વિદેશમાં વસતા આવા ગુજરાતીઓએ હંમેશા ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને ભૂલ્યા જ નથી પણ વિદેશમાં પણ ગુજરાતની સંસ્કૃતિને જીવંત પણ રાખી રહ્યા છે. બેલ્જિયમના એંટવર્પ શહેરને કર્મભૂમિ બનાવનાર લજ્જા શાહે આ વખતે નવરાત્રિ પર્વ પર બેલ્જિયમ ખાતે પોતે કોરિયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્ય થકી માત્ર રંગ જ જમાવ્યો નહીં પણ યુરોપીયનોને ઘેલું પણ લગાડ્યું છે.
દોઢ કલાક ઈવેન્ટ ચાલી
લજ્જા શાહે કહ્યું કે, એંટવર્પ ઇન્ડિયન લેડીજ કમિટી દ્વારા આ વર્ષે એંટવર્પ ખાતે નવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિની ઓપનિંગ ઇવેન્ટ યાદગાર બની રહે અને ખાસ તેમાં ગુજરાતની સંસ્કૃતિના દર્શન કરાવવામાં આવ્યા હતાં. ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કરાયા હતાં. 15 જેટલા ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કર્યા હતાં. આ ઇવેન્ટમાં બાળકોથી માંડીને વયોવૃધ્ધો સહિત 250 લોકોએ ભાગ લીધો હતો. ફોક ડાન્સમાં ગરબાની સાથે જ હુડો, કચ્છી રાસ, સનેડો જેવા લોક નૃત્ય તૈયાર કરાયા હતા. એક થી દોઢ કલાક સુધી આ ઇવેન્ટ ચાલી હતી અને આખો માહોલ ગુજરાતમય બની ગયો હતો.
20 જેટલા લોકનૃત્યો રજૂ કરાયા
સમગ્ર ઇવેન્ટ માત્ર આકર્ષણ જ જમાવ્યું ન હતું પણ યુરોપ વાસીઓને ઘેલું પણ લગાડ્યું હતું. લજ્જા શાહે ઉમેર્યુ કે, લોકો માત્ર ગુજરાતના ગરબા મે જ ફોક ડાન્સ તરીકે ઓળખે છે. પણ ગુજરાતમાં 20 જેટલા લોક નૃત્ય છે. તે પૈકી 15 લોક નૃત્ય મે કોરિયોગ્રાફ કર્યા હતા. ગુજરાતના વિવિધ લોક નૃત્યોનો બેલ્જિયમ માં વસતા ભારતીયો સાથે જ યુરોપ વાસીઓને તેનો પરિચય કરાવ્યો હતો.
સુરતમાં ચલાવતા હતા દોઢિયા ક્લાસ
લજ્જા શાહ મૂળ સુરતના વતની છે. તેઓ જ્યારે 18 વર્ષના હતા. ત્યારે સુરત ખાતે મલ્હાર નામથી સુરત ખાતે દોઢિયા ક્લાસ ચલાવતા હતા. હવે છેલ્લા 12 વર્ષથી તેઓ બેલ્જિયમ ખાતે સ્થાયી થયા છે. ત્યારે યુરોપમાં પણ તેઓ લોકોને ગરબા સાથે જ ગુજરાતમાં લોક નૃત્યો અને ડાન્સ શીખવાડે છે. એંટવર્પ સાથે જ યુરોપમાં મોટી સંખ્યામાં તેઓના વિદ્યાર્થીઓ છે.








