મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

CBSEએ વડોદરાની ટ્રી હાઉસ સ્કૂલની માન્યતા કરી રદ, ધો.1થી 8ના વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી ટ્રી હાઉસ સ્કૂલના સંચાલકો સામે નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગની ફર

CBSEએ વડોદરાની ટ્રી હાઉસ સ્કૂલની માન્યતા કરી રદ, ધો.1થી 8ના વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી ટ્રી હાઉસ સ્કૂલના સંચાલકો સામે નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ સીબીએસઈ( સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) દ્વારા આ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. સ્કૂલ સંચાલકો પર સીબીએસઈને વિશ્વાસમાં લીધા વગર શાળાની મિલકત વેચાણ કરવાની કે એગ્રીમેન્ટ કરવાની કાર્યવાહી કરવાનો પણ આરોપ મૂકાયો હતો. આ ઘટનાને લઈને હવે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની ચિંતા વધારી છે. સ્કૂલને કરાયેલા ઓર્ડરમાં બોર્ડે કહ્યું છે કે, ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓને નજીકની સીબીએસઈ સ્કૂલમાં શિફટ કરવામાં આવે, જ્યારે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે સ્કૂલમાં હાજર રહી શકશે. સ્કૂલ બોર્ડની સાથે ફરી જોડાણ માટે નિયમોનું પાલન કરીને અરજી કરી શકશે. પરંતુ આ ઓર્ડરમાં ધો.1થી 8નો કોઈ ઉલ્લેખ ન હોવાથી વાલીઓ શાળા અને ડીઈઓ કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે.

ઓર્ડરમાં ધો.1થી 8નો કોઈ ઉલ્લેખ નથી

વાલીઓની ચિંતા એટલે વધી છે કારણે કે સ્કૂલને કરાયેલા ઓર્ડરમાં ધો.1થી 8નો કોઈ ઉલ્લેખ નથી અને તેના કારણે સ્કૂલમાં અભ્યાસ કરતા ધો.1 થી 8ના બાળકોના વાલીઓ ચિંતાતુર બન્યા છે. આ પૈકીના કેટલાક વાલીઓ આજે સ્કૂલમાં અને બાદમાં ડીઈઓ કચેરી પહોંચ્યા હતા. વાલીઓનું કહેવું હતું કે, 'સ્કૂલ સંચાલકો અમને ધો.1 થી 8 ચાલુ રહેશે તેવું અત્યારે તો કહી રહ્યા છે પરંતુ ભવિષ્યમાં તેની પણ માન્યતા રદ થઈ જાય તો અધવચ્ચે અમારે એડમિશન લેવા ક્યાં દોડવાનું? સ્કૂલ દ્વારા ધો.1 થી 8માં આગળના વર્ષમાં એડમિશન આપવાનું શરૂ કરી દેવાયું છે. અમે આ બાબતે વધુ સ્પષ્ટતા મળે તે માટે ડીઈઓ કચેરી ખાતે આવ્યા હતા પરંતુ ડીઈઓ અમને મળ્યા નથી'.

સ્કૂલ વાલીઓને અંધારામાં રાખી રહી છે?

ઓલ ગુજરાત વાલી મંડળે કહ્યું હતું કે, 'માન્યતા રદ થવાના મુદ્દે સ્કૂલ દ્વારા વાલીઓને છેક સુધી અંધારામાં રખાયા હતા અને હવે સ્કૂલ સંચાલકો ધો.1 થી 8ના મુદ્દે પણ ડીઈઓ કચેરીનો સંદર્ભ આપીને વાલીઓને ગેરમાર્ગે દોરી રહ્યા હોય તેમ લાગે છે. કારણકે સીબીએસઈ સ્કૂલની માન્યતાને ડીઈઓ કચેરી સાથે લેવા દેવા નથી અને એટલે જ અમે ડીઈઓને મળવા માટે આવ્યા છે. કારણકે સ્કૂલમાં ભણતા 1500 બાળકો અને 85 શિક્ષકોના ભવિષ્યનો સવાલ છે'. ગુજરાત વાલી મંડળે તો એવી પણ માગ કરી છે કે, 'ધો.9 અને 11માં ભણતા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં એડમિશન આપવાની જવાબદારી પણ સ્કૂલ સંચાલકોની છે. સ્કૂલ સંચાલકો વાલીઓને બીજે પ્રવેશ અપાવે તેમજ જો કોઈ એડવાન્સ ફી લીધી હોય તો તે પરત કરે'.

આ સમાચાર શેર કરો