કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા અભિયાન, વિપક્ષે આપ્યુ કલેક્ટરને આવેદનપત્ર
કામરેજને મહાનગરપાલિકા વિસ્તારમાં ભેળવવા માટે એક અભિયાન હાથ ધરા

કામરેજને મહાનગરપાલિકા વિસ્તારમાં ભેળવવા માટે એક અભિયાન હાથ ધરાયુ છે. કામરેજ તા.પં.વિપક્ષ દ્વારા ગ્રામ પંચાયતની હદમાં આવેલી વિવિધ સોસાયટીઓના પ્રમુખ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં રહીશોએ આજે અઠવાલાઈન્સ સ્થિત સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો.
સમસ્યા ઉભી થઈ
આ મુદ્દે તા. પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાએ કહ્યુ કે, અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી 3 લાખથી વધુ થઈ ગઈ છે, પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવેલ નથી. જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં નીચે મુજબની ખૂબ મોટી સમસ્યાઓ ઉભી થયેલ છે.
લોકોને પારાવાર મુશ્કેલી
રોડ રસ્તાની સમસ્યા પુષ્કળ માત્રા માં છે. મોટે ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે. શાસકોને અવાર નવાર જાણ કરવાં છતાં તેમના પેટનું પાણી હાલતું નથી. ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ ઉપર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થયેલ છે. આ ઉપરાંત આર એન્ડ બી હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી. આ તમામ સમસ્યાઓ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ ના અભાવના કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને રોજે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.








