અમદાવાદ: વેપારી સાથે 1.60 કરોડની છેતરપિંડી, આરોપીઓ અનુપમ ખેરના ફોટાવાળી નકલી નોટો પધરાવી ગયા
અમદાવાદ: શહેરમાં બુલિયનનો વેપારી છેતરપિંડીનો શિકાર બ

અમદાવાદ: શહેરમાં બુલિયનનો વેપારી છેતરપિંડીનો શિકાર બન્યો છે. સોનાના બિસ્કીટના બદલે વેપારીને ચિલ્ડ્રન બેંકની ચલણી નોટો મળી છે. પાંચસોની ચિલ્ડ્રન બેંકની ચલણી નોટો પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો જોવા મળતા જ ખળભળાટ મચી ગયો હતો.
શહેરમાં બુલિયનનો વેપારી સાથે 1.60 કરોડની છેતરપિંડી થઇ છે. વેપારીને 1.60 કરોડના સોનાના બિસ્કીટના બદલે બીજા વેપારીએ ચિલ્ડ્રન બેંક લખેલી નકલી ચલણી નોટો પધરાવી હતી. બે વેપારી વચ્ચે થયેલા સોદા મુજબ 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવાની હતી. સીજી રોડ પર આંગડિયા પેઢી પર સોનાની ડિલિવરી આપી રોકડ મેળવવાનું નક્કી થયું હતું. છેતરપિંડી માટે આરોપી ટોળકીએ બનાવટી આંગડિયા પેઢી ઉભી કરી હતી. આંગડિયા પેઢી પાસે 3 આરોપીઓ નોટો ગણવાનું મશીન અને નોટો લઈને ઊભા હતા. વેપારીના કર્મચારીઓને સોનાની ડિલિવરી આપી તે સમયે આરોપીઓએ 1.30 કરોડની ચિલ્ડ્રન બેંકની નોટો પધરાવી દીધી હતી. બાકીના 30 લાખ રૂપિયા બાજુની ઓફિસમાંથી ગણીને લાવી આપીએ તેમ કહી આરોપી ફરાર થઇ ગયા હતા.
વેપારીએ મળેલ રૂપિયાની તપાસ કરતા તમામ નકલી નોટો પ્લાસ્ટિક પેકિંગવાળી હતી. વેપારીને ઘટનાની જાણ થતાં સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ઠગાઈ કરતી ટોળકી રાજસ્થાનની હોવાની આશંકા સેવાઈ રહી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.






