મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ પર મળેલી લાશના કેસમાં ચોંકાવનારો ખુલાસો, અકસ્માત નહીં પણ હત્યા હતી

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી થોડા દિવસો પહેલા મળી આવેલી અજાણ્યા યુવકની લાશના

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ પર મળેલી લાશના કેસમાં ચોંકાવનારો ખુલાસો, અકસ્માત નહીં પણ હત્યા હતી
આ સમાચાર સાંભળો

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી થોડા દિવસો પહેલા મળી આવેલી અજાણ્યા યુવકની લાશના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં અકસ્માત ગણાતી આ ઘટના ખરેખર એક હત્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે DNA રિપોર્ટ અને યુવકના શરીર પર ત્રોફાવેલા નામોના આધારે મૃતકની ઓળખ કરી હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.

ઓળખ છુપાવવા લાશ નદીમાં ફેંકી

મળતી માહિતી અનુસાર, હત્યારાઓએ યુવકના માથા અને ચહેરાના ભાગે તીક્ષ્ણ તેમજ બોથડ હથિયારોના અસંખ્ય ઘા ઝીંકી તેની ક્રૂર હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા અને મૃતકની ઓળખ ન થાય તે હેતુથી લાશને સાબરમતી નદીમાં ફેંકી દેવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ઈજાઓ કુદરતી નહીં પણ હુમલાની હોવાનું સ્પષ્ટ થતા જ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

હાથ પર લખેલા નામો બન્યા કડી

મૃતકની ઓળખ ગાંધીનગરના રાંધેજા ગામના ધવલ રાવળ તરીકે થઈ છે. ધવલના હાથ પર 'D, DG, ભાવેશ, ધવલ' જેવા નામોના ટેટૂ હતા, જે પોલીસ માટે તપાસની મહત્ત્વની કડી સાબિત થયા હતા. ધવલ ઘરે પરત ન ફરતા તેના પિતા સોમાભાઈએ પેથાપુર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેને લાશનો ફોટો બતાવતા શંકા દ્રઢ બની હતી અને ત્યારબાદ કરાયેલા DNA રિપોર્ટમાં લાશ ધવલની જ હોવાની પુષ્ટિ થઈ હતી.

મૃતક ધવલને પાંચ વર્ષનો પુત્ર છે, જ્યારે તેની પત્ની છેલ્લા દોઢ વર્ષથી પિયરમાં અલગ રહેતી હોવાનું સામે આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ધવલના પિતાની ફરિયાદના આધારે અજાણ્યા હત્યારાઓ સામે આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે ધવલના અંગત મિત્રો અને તેની સાથે છેલ્લા સમયમાં સંપર્કમાં રહેલા લોકોની પૂછપરછ કરી રહી છે જેથી હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાય.

આ સમાચાર શેર કરો