મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપના ઉમેદવાર સામે પાર્ટીના જ સ્થાનિક નેતાઓ અંદરખાને મેદાને પડ્યા! ડેમેજકંટ્રોલ કરવા દોડધામ

ગુજરાતમાં ભાજપે ૨૬ ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે, પણ ઉમેદવારોની પસંદગીને લઈને હા

ભાજપના ઉમેદવાર સામે પાર્ટીના જ સ્થાનિક નેતાઓ અંદરખાને મેદાને પડ્યા! ડેમેજકંટ્રોલ કરવા દોડધામ

ગુજરાતમાં ભાજપે ૨૬ ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે, પણ ઉમેદવારોની પસંદગીને લઈને હાઈકમાન્ડે કાચુ કાપ્યુ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે કેમકે, એક નહી, પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનું નામ લેતો નથી. આ કારણોસર પ્રદેશ નેતાગીરી ય ચિંતામાં મૂકાઇ છે. હવે ડેમેજકંટ્રોલ કરવા દોડધામ મચી છે. કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે અને અસંતોષની આગ ઠારવા આગેવાનોને કામ સોંપાયું છે.

મહેસાણામાં ભાજપે પાટીદાર ચહેરા તરીકે હરીભાઈ પટેલની પસંદગી કરી છે પણ ભાજપના સ્થાનિકો તેમની સામે નારાજ છે. હરીભાઈ પટેલ વિરુધ્ધ પણ વિરોધનો બૂગિંયો ફુંકાયો હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના ઉમેદવારના ગામનો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં ગ્રામજનો જ કહી રહ્યા છે કે, જે હરીભાઈ પોતાના ગામનું ભલુ કરી શક્યા નથી તે લોકસભામાં જઈને મત વિસ્તારના લોકોનું શું ભલું કરશે. સુણોક ગામનાં સ્થાનિકો વચ્ચે થયેલી વાતચીત સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે જેમાં વાત થઈ કે, છેલ્લા 15 વર્ષથી રોડ બન્યો તેનું હરીભાઇ વળતર અપાવી શક્યા નથી, તો તે લોકસભામાં જઈને શું કરશે. આમ, ભાજપના ઉમેદવાર સામે ભાજપના સ્થાનિક નેતાઓ અંદરખાને મેદાને પડ્યા છે.

ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરી હતી. રુપાલાએ માફી માંગી હોવા છતાંય ક્ષત્રિયો લાલઘુમ છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. ચૂંટણી પ્રચારમાં રુપાલાએ ક્ષત્રિય સમાજની અસ્મિતા અને ચારિત્ર પર પાયાવિહોણી વાહિયાત વાતો કરી હતી. ત્યારે બેઠકમાં એકસૂરે નક્કી કરાયુ કે, આડેધડ નિવેદન કરતાં ઉમેદવારોને મતના જોરે સબક શિખવાડીશુ. પોરબંદરમાં આયાતી ઉમેદવારને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વિરુધ્ધ પોસ્ટર વોર શરૂ
થયો છે. પોસ્ટરમાં સૂત્ર લખી એવો સૂર વ્યક્ત કરાયો છેકે, પાંચ વર્ષમાં આપણું કામ કોણ કરશે? આ આયાતી ઉમેદવાર પોરબંદરમાં ન ચાલ, આ ઉમેદવાર પાંચ વર્ષ સુધી મતદારોની વચ્ચે રહેશે ખરાં?, પોરબંદરમાં આયાતી નહી પણ સ્થાનિક ઉમેદવાર આપો. પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા વિરુધ્ધ છુપો રોષ છે, ત્યાં હવે મનસુખ માંડવિયા સામે આંતરિક રોષ ભભૂક્યો છે પરિણામે ભાજપની મુશ્કેલી વધી છે. 

સાબરકાંઠામાં અટકકાંડે ભીખુજી ઠાકોરનો ભોગ લીધો છે. હવે તેમનો સમર્થકો મેદાને ઉતર્યા છે. દરમિયાન મેઘરજ સ્વયંભૂ બંધ રહ્યું હતું. બે હજાર કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે. વિશાળ રેલી યોજીને ભીખુજીના સમર્થકોએ ભાજપને અલ્ટીમેટમ આપ્યુ છે. હવે પક્ષપલટુ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્નિ શોભના બારૈયાને ટિકિટ અપાઇ છે. ત્યારે વિરોધવંટોળ શરૂ થયો છે. 

સ્થાનિકો વિરોધ કરી રહ્યાં છેકે, જમીની કાર્યકરને બદલે પક્ષબદલુને કેમ ટિકિટ અપાઈ? જેમણે પક્ષ માટે પરસેવો પાડયો તેના બદલે જેણે એક વર્ષ પહેલાં જ પક્ષમાં એન્ટ્રી મારી તેને સાંસદ બનવાની કેમ તક આપવામાં આવી? આમ, સોશિયલ મિડીયામાં શોભના બારૈયા સામે પણ વિરોધવંટોળ ઉઠ્યો છે. ઉમેદવારો સામે આંતરિક રોષ ભભૂક્યો છે ત્યારે કમલમમાં પ્રદેશ નેતાઓને ડેમેજ કંટ્રોલ કરવા દોડાવાયા છે.

આ સમાચાર શેર કરો