મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપ v/s ભાજપ: પક્ષના હોદ્દેદારોની પસંદગી સમયે જૂથવાદ, ડેમેજ કંટ્રોલ કરનાર કોઈ નથી

ઉતરાયણ પહેલાં જ ભાજપે સંગઠનને નવો ઓપ આપવા તૈયારીઓ આદરી છ

ભાજપ v/s ભાજપ: પક્ષના હોદ્દેદારોની પસંદગી સમયે જૂથવાદ, ડેમેજ કંટ્રોલ કરનાર કોઈ નથી

ઉતરાયણ પહેલાં જ ભાજપે સંગઠનને નવો ઓપ આપવા તૈયારીઓ આદરી છે. વોર્ડ પ્રમુખ બાદ હવે શહેર-જીલ્લા પ્રમુખની નવા પ્રદેશ સુકાનીની પસંદગી થાય તે પહેલાં ભાજપમાં શિસ્તના લીરે-લીરા ઉડ્યાં છે કેમકે ક્યાંક લેટરવોરને પગલે ભાજપના નેતાઓ બાખડ્યાં છે, તો ક્યાંક ભાજપમાં શહેર-જિલ્લા પ્રમુખ પદ મેળવવા ભારે ખેંચતામ જામી છે, જેના કારણે ભાજપના નેતા-કાર્યકરો આમને સામને આવ્યાં છે. અત્યારે ગુજરાત ભાજપમાં આંતરિક ઘમાસણ જામ્યું છે, જેના કારણે પક્ષની પ્રતિષ્ઠા ખરડાઈ છે. કેટલાંક મુદ્દાઓભાજપની પ્રદેશ નેતાગીરીની ઉંઘ ઉડાડી દીધઈ છે

અમરેલી પત્રકાંડ

અમરેલીમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધસ પત્રકાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું હતુ, જે મુદ્દો સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાતભરમાં ચગ્યો છે, આ મામલે પાટીદારો ભાજપથી ખફા થયા છે. આ પ્રકરણમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ ભાજપ ધારાસભ્ય વિરુદ્ધ ધોકો પછાડ્યો છે. એટલું જ નહીં કોઈક નેતાને રાજી કરવા પાટીદાર દિકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે. આ વિવાદને પગલે ખુદ સરકારને બેકફુટ પર આવવું પડ્યું છે, અને સીટની રચના કરીને મામલો થાળે પાડવા મથામણ કરવી પડી છે. આ સમગ્ર પ્રકરણમાં રાજકીય લાભ લેવા કોંગ્રેસ અને આપે પણ ઝુકાવ્યું છે. કોંગ્રેસ નેતા પરેશધાનાણીએ ઉપવાસની ચિમકી ઉચ્ચારી છે.

વડોદરામાં પ્રમુખપદને લઈને ભાજપના નેતાઓ આમને સામને 

વડોદરામાં જીલ્લા પ્રમુખ સતિષ નિશાળિયાએ ફરીથી દાવેદારી નોંધાવતાં વિવાદ વકર્યો છે. મહિલા કાર્યકર્તા ભારતી ભાણવાડિયાએ આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્ય કે જીલ્લા પ્રમુખ તરીકે એક સારું કામ કર્યું હોય તો દેખાડો. તમે માત્રને માત્ર લોકોની રાજકીય કારકિર્દી પૂર્ણ કરવામાં રચ્યાપચ્યા રહો છો. તમારી આ જૂની પ્રવૃતિ બંધ કરી દો. એવું હોયતો બધા હોદ્દા જ નહીં. ગુજરાતના મુખ્યમંત્રી બની જાઓ. આ મહિલા કાર્યકર્તાએ આરોપ મૂકતાં સમગ્ર મામલો ગરમાયો છે. આ આખોય મામલો કમલમ સુધી પહોંચ્યો છે. શહેર પ્રમુખની નિમણૂંક બાદ આ મામલો વધુ વકરે તેમ લાગી રહ્યું છે.

રાજકોટમાં પ્રમુખની વરણી મુદ્દે જૂથવાદ સપાટી પર 

ગુજરાતમાં જિલ્લા પ્રમુખપદ મેળવવા ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર છે. રાજકીય વગના જોરે સંગઠનમાં હોદ્દો મેળવવા ખેંચતાણ જામી છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ પ્રમુખપદ મેળવવા માટે જોરદાર રાજકીય લોબિંગ શરૂ થયું છે. રાજકોટ શહેર પ્રમુખની વરણી થાય તે અગાઉ જ ભાજપમાં અસંતોષની આગ ભભૂકી ઉઠી છે. પૂર્વ મંત્રી અરવિંદ રૈાણી સહિત અન્ય નેતાઓએ વર્તમાન જિલ્લા પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ કરી છે કે વર્તમાન પ્રમુખ આપખુદીથી વર્તી રહ્યા છે. 

આ પણ વાંચો: વઢવાણ-સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ નહીં રખાય તો આંદોલનની ચિમકી, જાણો શું છે સમગ્ર વિવાદ

કેશોદમાં નકલી પત્રકાંડો ભાજપમાં ડખો ઉભો કર્યો

અમરેલી પત્રકાંડનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં કેશોદમાં પણ નકલી પત્રકાંડનો મામલો સામે આવ્યો છે. કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતીન સોઢાના નામે બદલીને પત્ર લખાયો છે. પીજીવીસીએલમાં બદલીની ભલામણ કરી ભાજપ મહામંત્રીની નકલી સહી કરવામાં આવી છે. નામ-સહિનો દૂરપયોગ કરવામાં આવતાં ભાજપમાં ભડાકો થયો છે.

ખેડામાં સહકારી સંઘની ચૂંટણીમાં મેન્ડેટની ઐસી કી તૈસી

સહકારી ક્ષેત્રમાં હોદ્દા મેળવવા ભાજપના નેતાઓમાં જાણે હોડ જામી છે. પરંતુ છેલ્લાં કેટલાંય સમયથી સહકારી ક્ષેત્રમાં ભાજપના મેન્ડેટના ચીંથરા ઉડાવવામાં આવી રહ્યાં છે. થોડા સમય પહેલા ઉંઝા એપીએમસીમાં પણ ભાજપે મેન્ડેટ આપ્યો હોવા છતાંય બળવાખોરોએ ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી હતી. આ જ પ્રમાણે, ખેડા જિલ્લા સહકારી સંઘમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે જ ભાજપના મેન્ડેટની ધરાર અવગણના કરી ઉમેદવારી નોંધાવી હતી. આમ, ભાજપના મેન્ડેટ ચીંથરેહાલ થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો