મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાવ બેઠક જીતવા માટે ભાજપે શરૂ કરી તૈયારી, આ ધારાસભ્યને બનાવ્યા પ્રભારી

એકતરફ ચૂંટણી પંચે મંગળવારે વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. બીજી તરફ ભાજપે ચૂં

વાવ બેઠક જીતવા માટે ભાજપે શરૂ કરી તૈયારી, આ ધારાસભ્યને બનાવ્યા પ્રભારી

એકતરફ ચૂંટણી પંચે મંગળવારે વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. બીજી તરફ ભાજપે ચૂંટણી જાહેર થયાના બીજા દિવસથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે પ્રભારીની નિયુક્તિ કરી છે. આ ઉપરાંત ભાજપે 3 નિરીક્ષકની પણ નિમણૂક કરી છે. 

પૂર્વ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને વાવ વિધાનસભા ચૂંટણી માટે પ્રભારી બનાવવામાં આવ્યા છે. થોડા સમય પહેલા જ ગુજરાત પ્રદેશ ભાજપે ભરત આર્યાને પ્રભારી પદેથી હટાવાયા છે.

ભાજપે વાવ બેઠક માટે 3 નિરીક્ષકની કરી નિમણૂક 

આ ઉપરાંત ભાજપે વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રભારીની સાથે ત્રણ નિરીક્ષકની પણ નિમણૂક કરી છે. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જનક પટેલ, અસારવા ધારાસભ્ય દર્શના વાઘેલા તેમજ પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસને જવાબદારી સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારની પસંદગી માટે નિરીક્ષક સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. ગુરૂવારે સવારે 11 વાગ્યે સેન્સ પ્રક્રિયા કરશે.

આ આગેવાનોએ ઉમેદવાર માટે દાવેદારી નોંધાવી

ભાજપ માંથી સ્વરૂપજી ઠાકોર, પીરાજી ઠાકોર, ખેમજી વાઘેલા, ગજેન્દ્રસિંહ રાણા વાવ, ધનજીભાઈ રાજપૂત, માવજીભાઈ પટેલ સહિત કુલ નવ જેટલા આગેવાનોએ ઉમેદવાર માટે દાવેદારી નોંધાવી છે. 

વાવ પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે

બીજી તરફ વાવ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે વાવ વિધાનસભા બેઠક પર 20 નવેમ્બરે પેટા ચૂંટણી માટે મતદાન થશે જ્યારે 23 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધનમાં લડી હતી. INDIA ગઠબંધન ગુજરાતમાં એક બેઠક (બનાસકાંઠા) જીતવામાં સફળ રહ્યું હતું.

વાવ બેઠક કોંગ્રેસનો ગઢ 

સામાન્ય રીતે તો બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક કોંગ્રેસનો ગઢ મનાય છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને હરાવ્યા હતા. પરંતુ 2024માં ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા. કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા હતા. આમ લોકસભાની ચૂંટણી જીતતા ગેનીબેને વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. પરિણામે આ બેઠક ખાલી પડી હતી.

આ સમાચાર શેર કરો