દાહોદમાં ભાજપ ઓપરેશન કમલની તૈયારીમાં, મંત્રી ખાબડને હાઈ કમાન્ડ રાજકીય રીતે વેતરી નાંખશે
મનરેગા કૌભાંડ બાદ ભાજપની આબરુ ધુળધાણી થઈ છે. આ આખાય પ્રકરણને કારણે દાહોદ વિસ્તારમાં સરકાર વિરોધી માહોલ છવાયો છે.

મનરેગા કૌભાંડ બાદ ભાજપની આબરુ ધુળધાણી થઈ છે. આ આખાય પ્રકરણને કારણે દાહોદ વિસ્તારમાં સરકાર વિરોધી માહોલ છવાયો છે. હવે ડેમેજ કંટ્રોલ કરવા ભાજપ મંત્રી બચુ ખાબડના કટ્ટર હરીફ ભરત વાખડાને કેસરીયા કરાવી શકે છે. ઓપરેશન કમલ માટે રાજકીય ગતિવિધિ તેજ કરી દેવાઈ છે. ખુદ ભાજપ જ બચુ ખાબડની રાજકીય કારકિર્દી પૂરી કરવા મેદાને પડ્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
2017 કોંગ્રેસના ઉમેદવાર અને વર્ષ 2022માં આપના ઉમેદવાર
ભરત વાખડા દેવગઢબારિયામાં મંત્રી બચુ ખાબડના કટ્ટર હરીફ રહ્યાં છે. વર્ષ 2017 કોંગ્રેસના ઉમેદવાર અને વર્ષ 2022માં આપના ઉમેદવાર તરીકે મંત્રી બચુ ખાબડ સામે ચૂંટણી લડી ચૂક્યાં છે. બન્ને ચૂંટણીમાં ભરત વાખળાનો વોટશેર વધ્યો છે. મનરેગા કૌભાંડને કારણે દાહોદ વિસ્તારમાં સરકાર વિરોધી વાતવરણ સર્જાયું છે, જેમાં બચુ ખાબડના કટ્ટર હરીફ ભરત વાખડાની ખાસ ભૂમિકા રહી છે.
મનરેગા કૌભાંડને લીધે સરકારની પણ છબી ખરડાઈ છે. જેના કારણે મંત્રી બચુ ખાબડને સરકારી કાર્યક્રમની દૂર રખાયા છે. દિલ્હી દરબારથી આદેશ છૂટચાં તેઓને કેબિનેટની બેઠકમાં પણ હાજરી નહીં રહેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ તરફ આદિવાસી વિસ્તારોમાં આપ કરતાં કોંગ્રેસનું રાજકીય વજન વધી રહ્યું છે, તેમાં રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન બાદ કોંગ્રેસ સક્રિય થયું છે. જેના કારણે ભાજપને ડર પેઠો છે કે આગામી ચૂંટણીમાં દાહોદમાં મોટું નુકસાન થશે.






