મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચાલુ અરાવલી એક્સપ્રેસમાં મોટી ચોરી, ઊંઘતા દંપતીનું ₹1.17 લાખનું પર્સ તસ્કર લઈ ફરાર

બોરીવલીથી નાના રેલવે સ્ટેશન સુધીની મુસાફરી કરી રહેલું એક દંપતી ચ

ચાલુ અરાવલી એક્સપ્રેસમાં મોટી ચોરી, ઊંઘતા દંપતીનું ₹1.17 લાખનું પર્સ તસ્કર લઈ ફરાર
આ સમાચાર સાંભળો

બોરીવલીથી નાના રેલવે સ્ટેશન સુધીની મુસાફરી કરી રહેલું એક દંપતી ચાલુ ટ્રેને ચોરીનો શિકાર બન્યું હોવાની ઘટના સામે આવી છે. અરાવલી એક્સપ્રેસ ટ્રેનમાં રાત્રિના સમયે મુસાફરોની ઊંઘનો લાભ ઉઠાવીને કોઈ અજાણ્યો તસ્કર વકીલના પત્નીના પર્સની ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ પર્સમાં સોના-ચાંદીના સિક્કા, રોકડ, કિંમતી મોબાઈલ અને અગત્યના દસ્તાવેજો સહિત કુલ 1.17 લાખ રૂપિયાની મતા હતી, જે અંગે રેલવે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સુરત સ્ટેશન પસાર થયા બાદ દંપતી ઊંઘી ગયું ને ચોરી થઈ

મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભાયંદર (ઇસ્ટ) ખાતે રહેતા 39 વર્ષીય મનીષ ભાટી વ્યવસાયે વકીલ છે. તે ગત પહેલી જુલાઈના રોજ તેના 38 વર્ષીય પત્ની લીસાબહેન સાથે ટ્રેન નંબર 17702 અરાવલી એક્સપ્રેસના કોચ એમ/1 (M/01)માં સીટ નંબર 38 અને 40 પર મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન સુરત સ્ટેશન પસાર થયા બાદ રાત્રિના સમયે દંપતી ગાઢ ઊંઘમાં સરકી ગયું હતું. આ સમયગાળાનો લાભ લઈને કોઈ અજ્ઞાત ચોરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

અમદાવાદ સ્ટેશને આંખ ખૂલતા જ પર્સ ગાયબ મળ્યું

બીજી જુલાઈના રોજ વહેલી સવારે આશરે 4:15 વાગ્યે જ્યારે અરાવલી એક્સપ્રેસ અમદાવાદ રેલવે સ્ટેશન પર આવીને ઊભી રહી, ત્યારે લીસાબેનની આંખ ખૂલી હતી. તેમણે આસપાસ જોતાં જ તેમનું લેડીઝ પર્સ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. ટ્રેનમાં ઘણી શોધખોળ કરવા છતાં પર્સ ન મળતાં આખરે ચોરી થઈ હોવાની પુષ્ટિ થઈ હતી.

પર્સમાં રાખેલી કિંમતી ચીજવસ્તુઓની યાદી:

ભોગ બનનાર પરિવારના જણાવ્યા મુજબ ચોરાયેલા પર્સમાં એક આઇફોન/મોબાઈલ ફોન, 3 ગ્રામનો સોનાનો સિક્કો, 40 ગ્રામ વજન ધરાવતા ચાંદીના ત્રણ સિક્કા અને બે મોંઘી ઘડિયાળ, અંદાજે 4,000 રૂપિયા રોકડા અને પર્સની અંદર ઓળખના પુરાવા તરીકે પાનકાર્ડ, આધારકાર્ડ તેમજ ઘરની ચાવીઓ પણ રાખેલી હતી.

આમ, કુલ 1.17 લાખ રૂપિયાની મત્તા ભરેલું પર્સ ચોરીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હોવાથી આ મામલે રેલવે પોલીસે ગુનો નોંધીને ટ્રેનના કોચમાં મુસાફરી કરનારા શંકાસ્પદ લોકો અને સ્ટેશનના સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે તસ્કરને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો