AHMEDABAD : નારોલમાં ખાદ્યતેલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, 2.23 કરોડના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ
Ahmedabad News : અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં લાંભા ગામ જવાના રસ્તા પાસે આવેલા ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની

Ahmedabad News : અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં લાંભા ગામ જવાના રસ્તા પાસે આવેલા ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં ખાદ્યતેલ ભરેલા ટેન્કરોમાંથી ઓઈલ ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ સીઆઈડી ક્રાઈમના સી.આઈ. સેલે કર્યો છે.
7 સામે નોંધાયો ગુનો, 5 આરોપીઓની ધરપકડ
મળતી માહિતી મુજબ આરોપીઓ ત્રણ ટેન્કરમાંથી ખાદ્યતેલનો જથ્થો પતરાના ડબ્બામાં ભરી રહ્યા હતા. જેના આધારે સીઆઈડી ક્રાઈમના સી.આઈ. સેલે દરોડા પાડ્યા હતા. તેલની ચોરી કરી રહેલા કુલ 7 સામે ગુનો નોંધ્યો છે. તપાસ એજન્સીએ ત્રણ ટેન્કર કબજે કરીને કુલ રૂ.2.23 કરોડના મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ડ્રાઈવરને નજીવા રૂપિયાની લાલચ આપી સાંઠગાંઠ કરતા
ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં હકીકત સામે આવી કે ખાદ્યતેલના ટેન્કરોના ડ્રાઈવરને નજીવા રૂપિયાની લાલચ આપીને તેમની સાથે સાંઠગાંઠ કરી લેતા હતા. જયારે પણ ટેન્કરમાં તેલ ભરીને બહાર નીકળે તેની પહેલા અગાઉથી ટેન્કરના વાલ્વને અડધા ખુલ્લા રાખવામાં આવતા હતા. ત્યારબાદ ટ્રક ડ્રાઈવરોનો સંપર્ક કરીને નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લાંભા ગામ પાસેના ખુલ્લા મેદાનમાં ટેન્કર ઉભું રખાવીને ટેન્કરમાં રહેલા ખાદ્યતેલ ચોરી કરવામાં આવતું હતું. નક્કી થયા મુજબ ટેન્કરમાં થી ઓઈલ કાઢી લેવામાં આવે ત્યારબાદ ટેન્કરનો વાલ્વને બંધ કરીને ડ્રાઈવર રવાના થઇ જતા હતા. આ સમગ્ર હકીકત ઝડપાયેલા આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે.
સીઆઈડી ક્રાઈમે પ્લોટમાં તપાસ હાથ ધરી તો એક રૂમમાં થી કુલ 22 તેલના ડબ્બા મળી આવ્યા જેમાંથી 15 ડબ્બામાં ખાદ્ય સોયાબીન તેલ, 4 ડબ્બામાંથી અન્ય કંપનીનું ખાદ્યતેલ મળી આવ્યું હતું. ત્યારે હાલ સીઆઈડી ક્રાઈમે સાત આરોપી સામે ગુનો નોંધીને આ 5 આરોપીઓની ધરપકડ કરી છે :
- રાહુલ ભરવાડ (ઉ,27 રહે,ભરવાડ વાસ નારોલ)
- ઠાકર કેશારામ ભાટિયા (ઉ,23 રહે, બાડમેર રાજસ્થાન)
- જેથારામ ભવરામરામ ક્ડેલા (ઉ,19, રહે, બાડમેર રાજસ્થાન)
- શંકરલાલ ખીલેરી (રહે,બાડમેર રાજસ્થાન)
- સુરેશ યાદવ (રહે, ભંડોહી)








