મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નડિયાદ સોડા કાંડ મામલે મોટો ખુલાસો: પાડોશી શિક્ષકે જ રચ્યું હતું કાવતરું, આ રીતે ઝડપાયો 

નડિયાદમાં થોડા દિવસ અગાઉ દેશી દારૂ પીધા બાદ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હત

નડિયાદ સોડા કાંડ મામલે મોટો ખુલાસો: પાડોશી શિક્ષકે જ રચ્યું હતું કાવતરું, આ રીતે ઝડપાયો 

નડિયાદમાં થોડા દિવસ અગાઉ દેશી દારૂ પીધા બાદ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં લઠ્ઠાકાંડની શંકા હતી. ત્યારબાદ રિપોર્ટમાં સોડિયમ નાઇટ્રાઇટ નામનું ઝેરી તત્વ મળી આવતા 19 દિવસ બાદ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ ફરિયાદમાં કોઇએ જીરા સોડામાં બોટલમાં ઝેરી તત્વ મિક્સ કર્યું હોવાની સભાવના બતાવવામાં આવી હતી. જે પોલીસ તપાસમાં શિક્ષક દ્વારા સોડામાં ઝેર નાખીને ત્રણ યુવકોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. 

શું હતો સમગ્ર મામલો

નડિયાદના મંજીપુરા વિસ્તારમાં, દેશી દારૂ પીધા પછી ત્રણ લોકોના શંકાસ્પદ મોત થયા હતા.  નડિયાદની જય મહારાજ સોસાયટી પાસે દારૂ પીધાના કારણે ત્રણ જણાના મોત થવાનો મામલો સામે આવ્યો હતો. મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બનતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.પ્રાથમિક તપાસમાં એક બુટલેગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. 

એફએસએલના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 

આ મામલે જ્યારે મૃતકોના બ્લડ સેમ્પલ લઈને ગાંધીનગર તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા તો તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટમાં જાણકારી મળી કે મૃતકોના બ્લડમાં મિથાઈલ આલ્કોહોલ હતું જ નથી. ઉલ્લેખનીય છે કે મૃતકોના પરિજનો દાવો કરી રહ્યા છે કે દેશી દારૂ પીવાને કારણે આ લોકો ગણતરીની મિનિટોમાં જ મૃત્યુ પામી ગયા હતા. આ મામલે સુપ્રીન્ટેડન્ટ ઓફ પોલીસે જણાવ્યું હતું કે, એફએસએલના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મૃતકોના શરીરમાં કોઇ લઠ્ઠો નહોતો. તેમણે કહ્યું કે મૃતકોના શરીરમાં લોહી ગંઠાઈ ગયું હતું. તેમણે જીરા સોડા પીધી હતી અને તેના પછી તેમની તબિયત લથડી હોવાનો ખુલાસો થયો છે.   

પાડોશી શિક્ષકે સોડિયમ નાઇટ્રેટ આપી કરી હત્યા

પોલીસ હત્યાની દિશામાં તપાસ કરતાં મૃતક યુવક કનુભાઈ ચૌહાણના પાડોશી શિક્ષકે ત્રણેય યુવકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી શિક્ષકે કાનુભાઇની હત્યા કરવા જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ ભેળવ્યું હતું. આરોપીનું કાવતરું માત્ર પાડોશી કનુભાઈ ચૌહાણની હત્યા કરવા ઘડ્યું હતું. પરંતુ મૃતક સાથે બીજા બે લોકોએ સોડા પી લેતા અન્ય બે લોકોના પણ મોત થયા હતા. આરોપી શિક્ષક મૃતકનું પોસ્ટ મોર્ટમ કરવાની ના પાડતા શિક્ષકના વર્તન પરથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો.

આ સમાચાર શેર કરો