ગુજરાતમાં 12 લોકોની હત્યાની કબુલાત કરનાર ભૂવાનું મોત, દારૂમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવી કરતો હતો મર્ડર
અમદાવાદ પોલીસ સામે 12 લોકોની હત્યાની કબુલાત કરનાર નવલસિંહ ચાવડા નામના ભૂવાનું સારવાર દરમિયાન મોત થય

અમદાવાદ પોલીસ સામે 12 લોકોની હત્યાની કબુલાત કરનાર નવલસિંહ ચાવડા નામના ભૂવાનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસ સામે કબુલાત કર્યા બાદ ભૂવાની લોકઅપમાં તબિયત બગડી હતી જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. મહત્ત્વપૂર્ણ છે કે ચારગણા પૈસા કરી આપવાની પૈસાની લાલચ આપી ભૂવાએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી.
12 લોકોની હત્યાની કબુલાત કરનાર ભૂવાનું મોત
અમદાવાદની સરખેજ પોલીસે એક એવા ભૂવાને પકડ્યો હતો જે ચાર ગણા પૈસાની લાલચ આપીને પૈસા પડાવવા માટે હત્યા આચરવા સુધીનું કાવતરૂં ઘડતો હતો. નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે 12 જેટલી હત્યા સોડિયમ નાઇટ્રેટથી કરી હોવાનું ખુલ્યું હતું. નવલસિંહ નામના તાંત્રિકે સુરેન્દ્રનગર અને રાજકોટમાં 3-3,અસલાલીમાં 1, અંજારમાં 1, વાંકાનેરમાં 1 તથા 3 મર્ડર પોતાના પરિવારમાંથી કર્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસ કસ્ટડીમાં એકાએક ભુવાની તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
ભૂવાએ તેની માતા સહિત ત્રણ લોકોની હત્યા કરી
ભૂવાએ તેની માતા, દાદી અને કાકાની પણ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. ભૂવાએ સોડિયમ નાઇટ્રેટ સુરેન્દ્રનગરની લેબમાંથી લીધુ હતું. વઢવાણના આવેલા મઢમાં તે દોરા ધાગા કરતો હતો. ભૂવાએ 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.
સોડિયમ નાઇટ્રેટથી તાંત્રિક કરતો હતો હત્યા
સરખેજ પોલીસ સ્ટેશનમાં જીગર ગોહિલે નવલસિંહનો ભંડાફોડ કર્યો હતો. નવલસિંહ આ પ્રકારે ચારગણા પૈસા આપવાની લાલચ આપી રૂબરૂ બોલાવીને તેની ગાડીમાં પડેલા પાઉડરમાં પીળા કલરનું એસિડ નાંખી પાણી કે દારૂમાં ભેળવી વિધિ કરવાના બહાને પીવડાવી દેતો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: સરકાર સામે બાથ ભીડનાર પોલીસના 13 વહીટદારો સામે સકંજો કસાયો, મિલકતોની થશે તપાસ
પ્રવાહી પીવડાવ્યા પછી અડધા કલાક પછી પરત આવો તેવી વાત કરતો હતો. આ દરમિયાન પ્રવાહીની અસર થતાં અકસ્માત થાય કે હાર્ટ એટેક આવતાં મોત નિપજે એટલે નવલસિંહ પૈસા લઇ રફુચક્કર થઇ જતો હતો. કુદરતી મૃત્યુ જણાય તેવો કારસો રચતા તાંત્રિકનું પણ પોલીસ કસ્ટડીમાં મોત થયું છે.








